Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વડોદરાના બકરાવાડીમાં રોટલી આપવા જવું વૃદ્ધાને ભારે પડ્યું:શીંગડે ભરાવતા પગનું હાડકું તૂટી ગયું

વડોદરા: બકરાવાડી વિસ્તારમાં કચરા પેટી પાસે ઉભેલી ગાયને રોટલી આપી પરત આવતા વૃદ્ધાને ગાયે જ શિંગડે ભેરવી ફંગોળ્યા હતા.વૃદ્ધાને જાંઘ પર ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બપોરની આ ઘટના પછી પણ સાંજે આ વિસ્તારમાં રખડતી ગાયો દેખાતી હતી.જેના પગલે લોકોમાં રોષની લાગણી હતી.

શહેરમાં રખડતા ઢોરના કારણે અવાર-નવાર નિર્દોષ નાગરિકોને ગંભીર ઇજાઓ થતી હોય છે.અને કેટલાક કિસ્સામાં તો જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.આજે બપોરે બકરાવાડી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મુકવામાં આવેલી કચરા પેટી પાસે ઉભેલી ગાયને રોટલી આપી ૬૫ વર્ષના પુષ્પાબેન બાબુભાઇ પરમાર પરત આવતા હતા.તે દરમિયાન ગાયે શિંગડે ભેરવી હવામાં ઉછાળતા તેઓને જાંઘ પર ઇજા થઇ હતી.પુષ્પાબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ડોક્ટરે તેઓને ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું છે.

તેમના પુત્ર ભૂપેન્દ્રભાઇએ  જણાવ્યું હતંું કે, આ વિસ્તારમાં કચરાપેટી મુકવામાં આવી હોઇ ગાયોના ટોળા થાય છે.અને બપોરની આ ઘટના પછી  પણ આ વિસ્તારમાં હજી ગાયો રખડે છે.એક તરફ રખડતા ઢોરના કારણે લોકોને ઇજા થઇ રહી છે.ત્યારે બીજી તરફ કોર્પોરેશનનું તંત્ર આવી ઘટના પછી પણ કોઇ  કાર્યવાહી  કરતું નથી.

(6:21 pm IST)