Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ઇન્સ્યોરન્સ કંપનીના મેનેજરને લિફ્ટ આપી કારમાં સવાર ચાર શખ્સો મોબાઈલ સહીત રોકડની લૂંટ ચલાવી મેનેજરને કારમાંથી બહાર ફેંકી દેતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંઘીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરી લૂંટની ઘટનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે મોડીરાત્રે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ઇન્સ્યોરન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરને ઇડર જવા માટે કારમાં લીફ્ટ આપીને ચાર શખ્સોએ લૂંટી લીધો હતો અને રોકડ તેમજ મોબાઇલ મળીને રૃપિયા ૨૪ હજારની મત્તા લઇને કારમાંથી બહાર ફેંકી દીધા હતા. આ મામલે ચિલોડા પોલીસે લૂંટનો ગુનો દાખલ કર્યો છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ગંભીર પ્રકારના ગુનામાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગઇકાલે મોડીરાત્રે ચિલોડા હાઇવે ઉપર લૂંટની ઘટના બનવા પામી છે આ અંગે મળતી વિગતો પ્રમાણે, અમદાવાદના વસ્ત્રાલ ખાતે કેન્સાસ દેવશ્ય વસાહતમાં રહેતા અને ગાંધીનગરની સેક્ટર-૨૧માં આવેલી કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાં  બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશભાઇ શિરીસચંદ્ર ભટ્ટ ગઇકાલે ઘરેથી રાત્રીના સમયે ઇડર જવા માટે નિકળ્યા હતા નાન ચિલોડાથી ટ્રકમાં બેસીને મોટા ચિલોડા બ્રીજ પાસે પહોંચ્યો હતા તે દરમિયાન એક કાર તેમની પાસે આવી હતી અને તેમાં સવાર વ્યક્તિએ ક્યાં જવું છે તેમ પુછતા તેમણે ઇડર જવાનું કહ્યું હતું જેથી આ શખ્સોએ હિંમતનગર સુધી લઇ જવાની વાત કરી હતી કાર થોડે આગળ ચાલ્યા બાદ પાછળની સીટમાં બેઠેલા વ્યક્તિએ બેગમાં શું છે દારુ કે ડ્રગ્સ છે તેમ પુછ્યું હતું જેથી તેમણે બેગ બતાવવાનું ના પાડતા લાફો મારી દીધો હતો ત્યાર બાદ બેગ આંચકીને તેમાંથી ત્રણ હજાર રૃપિયા ભરેલું પર્સ લઇ લીધું હતું અને તેમના ખિસ્સામાંથી પણ એક હજાર રૃપિયા કાઢી લીધા હતા. મોબાઇલ પણ લૂંટી લીધો હતો અને મંદિર પાસે કાર ઉભી રાખીને લાત મારીને તેમને નીચે નાંખી દીધા હતા જેથી ગભરાઇ ગયેલા હિતેષભાઇએ તેમના સાળાને ફોન કર્યો હતો અને ઘરે પહોંચ્યા હતા આજે વહેલી સવારે આ મામલે ચિલોડા પોલીસ મથકમાં લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

(6:16 pm IST)