Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલે સાંજે અમદાવાદ આવશેઃ સવારે ભગવાન જગન્‍નાથજીના મંદિરે મંગળા આરતી કરી કલોલ સ્‍વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ કરશે

કલોલ ખાતે 350 કરોડના ખર્ચે બનેલી પ્રેમસ્‍વરૂપસ્‍વામી હોસ્‍પિટલનું ખાતમુહુર્ત પણ કરશે

અમદાવાદઃ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ કાલે સાંજે અમદાવાદ આવશે અને શુક્રવારે ભગવાન જગન્‍નાથજીની મંગલા આરતી કરી કલોલમાં સ્‍વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ કરી પ્રેમસ્‍વરૂપસ્‍વામી હોસ્‍પિટલનું ખાતમુહુર્ત કરશે. ત્‍યારબાદ અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં ફરી એકવાર 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે સાંજે (ગુરુવાર) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. 1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. સવારે 9 વાગે કલોલમાં સ્વામિનારાયણ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યારબાદ રૂપાલ ગામમાં કેન્દ્રિય ગૃહમંત્રીની રજત તુલા થશે. અને ત્યાંજ  અમિત શાહ જનસભાને સંબોધન કરશે. પછી વાસણ ગામમાં શાહ તળાવનું ભૂમિપૂજન કરશે અને સાંજે અમદાવાદના મોડાસર ગામમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાત મુર્હત કરશે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, તાજેતરમાં અમિત શાહ ગુજરાત આવ્યા હતા. ત્યારે ફરી એકવાર 30 જૂને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ સાંજે આવશે. અમિત શાહ અમદાવાદમાં રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે.  1 જુલાઇએ સવારે 4 વાગે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરશે. ત્યારબાદ 1 જુલાઇએ જ સવારે 9 વાગે કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિ.નું લોકાર્પણ કરશે.

કલોલમાં હોસ્પિટલનું ખાત મુહુર્ત કરશે

અમિત શાહ 1 જુલાઇએ કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં હાજરી આપશે. 350 કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર  મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.

મહત્વનું છે કે, તાજેતરમાં અમિત શાહ ગાંધીનગર મનપા અને ગુડાના વિકાસ કાર્યોનું  લોકાર્પણ કર્યું હતું. જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ગાંધીનગર મનપા નિર્મિત 193.12 કરોડના પ્રોજેક્ટનું અમિત શાહે ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે ગાંધીનગર શહેરમાં 3 બગીચાઓનું પણ લોકાર્પણ કર્યું હતું.

(5:15 pm IST)