Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કલ્પસર યોજનાને 'અભેરાઇ'થી નીચે ઉતારી અમલી બનાવોઃ ગુજરાત માટે આશીર્વાદરૃપ છેઃ ઘણા ફાયદા છે

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગણી : પાણીની તંગી દુર થઇ જશેઃ ગુજરાત જેવા વિકસિત રાજયમાં યોજનામાં વિલંબ ન શોભે

રાજકોટ, તા.૨૯: ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીરભાઇ શાહે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે એક પત્ર લખી વ્હેલામાં વ્હેલી તકે કલ્પસર યોજનાના અમલીકરણ માટે માંગણી કરી છે. પત્રમાં તેમણે જણાવ્યુ છે કે  ચાલુ વર્ષે ચોમાસુ વરસાદમાં થએલ વિલંબને કારણે રાજ્યના ઘણા વિસ્તારો પીવાના પાણીની અછત મહેસુસ કરી રહ્યા છે. રાજકોટ જેવા મોટા શહેરના પાણીના સ્ત્રોતો ડૂકી જવાને કારણે, રાજકોટ ને પાણી પૂરા પાડતા ડેમોમાં માંડ ૮ થી ૧૦ દિવસ ચાલે તેટલી જળરાશિ બચી છે. દુર્ભાગ્યે નર્મદા ડેમમાં પણ પાણીનો જથ્થો ઘણો ઓછો હોય, રાજ્ય સરકાર રાજકોટના ડેમોને નર્મદા જળ થી ભરવા માટે પણ થોડો ખચકાટ અનુભવી રહી છે.

ગુજરાત એક ઝડપ થી વિકસતું રાજ્ય છે, ને આ વિકાસલક્ષી નીતિને કારણે રાજ્યમાં મોટા પાયે નવા ઉદ્યોગ આવી રહ્યા છે અને દેશના અન્ય રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લોકો ગુજરાતમાં આવી વસવાટ કરી રહ્યા છે. તેથી આપણા રાજ્યમાં પાણીની જરૃરિઆત આગામી વર્ષોમાં અનેક ગણી વધતી જવાની છે. હાલમાં પણ આપણે જળસમસ્યાનો સામનો કરી જ રહ્યા છીએ.

અમદાવાદ શહેર, ઉતર ગુજરાત અને કચ્છ, સોરાષ્ટ્રનો મહદ વિસ્તાર હાલના તબકકે પણ નર્મદા ડેમ ના પાણી પર નિર્ભર છે. જો ક્યારેક કુદરતની અવકૃપા થાય અને સરદાર સરોવર ડેમ માં ઓછો જળ સંગ્રહ થાય તો આપણું જળસકંટ થાય, તો આપણું જળસંકટ અતિતિવ્ર બની જાય. આવી પરિસ્થિતિ નું સર્જન ન થાય તે માટે આગેતરૃ આયોજન કરવું જરૃરી છે.

પત્રમાં જણાવ્યું છે કે એકલા સરદાર સરોવર ડેમ પર નિર્ભર રહેવું અતિજોખમી છે કારણકે તેમાં સંગ્રહ થતા પાણી પર ગુજરાત ઉપરાંત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા રાજસ્થાનનો પણ હક્ક છે. ગુજરાતના ખંભાતના અખાત પર ડેમ બાંધી ત્યાં સંગ્રહ થતા ખારાપાણીને ક્રમશઃ મીઠા પાણી બનાવતી બહુહેતુક કલ્પસર યોજનાને હવે ઝડપથી અમલીકરણ કરવાનું અનિવાર્ય બન્યું છે. આ યોજનામાં અનેકવિધિ ફાયદા છે જે આપના ધ્યાન પર જ હશે. આવી મહત્વની યોજનાનું અમલીકરણ વહીવટી તંત્રની આળસને કારણે અટવાએલુ રહે તે ગુજરાત જેવા વિકસીત રાજ્ય માટે ખરેખર શરમજનક કહેવાય. આપને અમારી નમ્ર વિનંતી છે કે આપ પોતે અંગત રસ લઈ આ યોજના ત્વરાથી પૂર્ણ થાય તેવા પ્રયાસો કરશો જેથી આવનારા દિવસોમાં રાજ્યમાં જળ સમસ્યાનું સર્જન ન થાય તેમજ તરસ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવો ઘાટ ન સર્જાય. તેમ પત્રના અંતે જણાવ્યુ છે.

(4:47 pm IST)