Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજ કરશે શક્‍તિ પ્રદર્શન કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર ફરી કોળી સમાજ એક્‍ટિવ થયો :વેલનાથ ગ્રૂપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે

અમદાવાદ, તા.૨૯: રાજ્‍યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકોટમાં વેલનાથ બાપુની જન્‍મ જયંતિ નિમિતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. વેલનાથ ગ્રુપ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવશે. કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરા એકસાથે જોવા મળશે. તમને જણાવી દઇએ કે, સૌરાષ્‍ટ્રમાં કોળી સમાજના સૌથી વધુ મતદારો છે. અષાઢી બીજે શોભાયાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાશે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટ-ભાવનગર હાઇવે પર એક હોટલમાં કોળી સમાજના આગેવાનોની એક મહત્‍વની બેઠક યોજાઇ હતી.તાજેતરમાં અમરેલીના જાફરાબાદમાં પણ કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠક જાફરાબાદના ચાંચ બંદર ખાતે કરવામાં આવી હતી. જેની અધ્‍યક્ષતા અમરેલી જિલ્લા કોળી પ્રમુખ કરણ બારૈયાએ કરી હતી.

મહત્‍વનું છે કે, સૌરાષ્‍ટ્રના કોળી સમાજના દિગ્‍ગજ નેતાઓ એકમત થઈ ગયા છે. એકબીજા સામેના વિવાદથી સતત ચર્ચામાં રહેતા કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરા જાફરાબાદમાં એક મંચ પર જોવા મળ્‍યા હતા. રાજકોટની હોટલમાં તેઓએ થોડાક દિવસ અગાઉ કોળી સમાજના આગેવાનો સાથે મહત્‍વની બેઠક કરી હતી. જસદણ બેઠક પર કોળી સમાજને ટિકિટ આપવાની માંગ  અને તેને લગતી યોગ્‍ય રજૂઆતોને પગલે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ચૂંટણીલક્ષી સમાજની બેઠકમાં બાવળીયા અને ફતેપરા જે એકબીજાથી નારાજ હતા તે સમાજ સમાજ કરી મત માટે મનભેદ દૂર કરીને એકસુરે જોવા મળ્‍યા હતા.

ગુજરાતમાં કોળીનું રાજકીય મહત્‍વઃકોળી સમાજ ગુજરાતમાં સૌથી વધારે વસ્‍તીવાળો સમાજ. રાજ્‍યમાં કુલ ૧૮ ટકા જેટલી વસ્‍તી કોળી સમાજની. કોળી સમાજ રાજ્‍યની ૩૫-૪૦ બેઠક પર સીધી અસર કરે છે સૌરાષ્‍ટ્રમાં ૫૭ બેઠકમાંથી ૨૫ બેઠક પર કોળી સમાજની વસ્‍તી વધારે, દક્ષિણ ગુજરાતમાં ૧૦ બેઠક પર કોળી સમાજની વસ્‍તી વિશેષ.

ચૂંટણીમાં જ્ઞાતિ ફેક્‍ટર કેટલું મહત્‍વનું? જાતિ જ્ઞાતિના સમીકરણોને માનો કે ન માનો પણ તેને સૌથી વધુ રાજકીય પક્ષો પણ પ્રાધાન્‍ય આપે છે અને તેની અસર વળી જે તે સમાજો પર પણ જોવા મળતી જ હોય છે. તેમાં પણ જ્ઞાતિનું જે ફેક્‍ટર છે તેમાં જે જ્ઞાતિની વસતી વધુ હોય તે જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકર્તા સાબીત થતા હોય છે. તેમાં પણ ઠાકોર, કોળી, પાટીદાર અને આદિવાસીની વસતી ટકાવારીને રીતે સૌથી વધુ ગુજરાતમાં હોવાને કારણે આ જ્ઞાતિના સમીકરણને રાજકીય પક્ષો બહુ નજરઅંદાજ નથી કરી શકતી. તે વાત સ્‍વાભાવિક રીતે સમાજ અને સમાજના આગેવાનો જાણે જ છે એટલે જ તો અત્‍યાર સુધીનો ઇતિહાસ છે કે સામાજીક મેળાવડાઓ અને સામાજીક બેઠકોનો દોર પણ ચૂંટણી નજીક આવતા જ આપણે વધતો જોતા આવ્‍યા છીએ. તેવું જ વાતાવરણ આપણે ગુજરાતમાં ફરી એકવાર જોઇ રહ્યા છીએ.

(4:29 pm IST)