Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

કોરોનાને કારણે પડેલા બે વર્ષના બ્રેક બાદ ગુજરાતમાં ૧૮૦ રથયાત્રાઓ યોજાશે

અમદાવાદમાં મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્રભાઇ પટેલ પહેલી વાર કરશે પહિંદ વિધિ :રથયાત્રાને લઇ મંદિરમાં તૈયારીઓ શરૂઃ વાજતે-ગાજતે થયું મામેરૂઃ સાત જોડ વાઘા અને ઘરેણા મંદિરમાં અપાયાં

મુંબઇ,તા. ૨૯ : કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે ગુજરાતમાં ૧૮૦ રથયાત્રાઓ વાજતે-ગાજતે હર્ષોલ્લાસ સાથે યોજાશે. રથયાત્રાના દિવસે અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં વહેલી સવારે પ્રભુને પ્રિય આદિવાસી નૃત્‍ય અને રાસગરબા રમાશે એટલું જ નહીં, ગુજરાતના મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્રભાઇ પટેલ પહેલી વાર પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્‍થાન કરાવશે. રથયાત્રાને લઈને મંદિરમાં તૈયારીઓ શરૂ ગઈ છે અને ગઈ કાલે વાજતે-ગાજતે સાત જોડ વાઘા અને ઘરેણાં સાથે ભગવાનનું મામેરું થયું હતું.

ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ રથયાત્રાની વિગતો આપતાં કહ્યું હતું કે આ વર્ષે પહેલી જુલાઈએ ગુજરાતમાં કુલ ૧૮૦ રથયાત્રાઓ યોજાશે, જેમાં સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાંથી નીકળશે જેમાં ૧૦ લાખથી વધુ લોકો ભાગ લેતા હોય છે. અમદાવાદ પછી મોટી રથયાત્રા ભાવનગરમાં નીકળશે જેમાં એક લાખ લોકો જોડાતા હોય છે. આ ઉપરાંત ૧૦ હજારથી વધુ લોકો જોડાતા હોય એવી ૧૬ રથયાત્રાઓ ગુજરાતનાં જુદાં-જુદાં શહેરોમાં યોજાશે. ૨૦૨૦માં રથયાત્રા યોજાઈ નહોતી, જયારે ૨૦૨૧માં ૫૯ રથયાત્રાઓ ઓછા સમય માટે નિયમિત રૂટ પર નીકળી હતી. આ વખતે અમદાવાદમાં ૧૪૫મી રથયાત્રા છે જે ૧૯ કિલોમીટરના રૂટ પર નીકળશે. ભાવનગરમાં ૩૭મી રથયાત્રા છે અને એ ૧૭ કિલોમીટરના રૂટ પર યોજાશે.

અમદાવાદમાં આવેલા જગન્નાથજી મંદિરના ટ્રસ્‍ટી મહેન્‍દ્ર ઝાએ કહ્યું હતું કે શુક્રવારે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્‍યે મંગળા આરતીમાં કેન્‍દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે. સાડાચાર વાગ્‍યે ખીચડી ભોગ ધરાવવામાં આવશે. સવારે પાંચ વાગ્‍યે ભગવાનને પ્રિય આદિવાસી નૃત્‍ય અને રાસગરબા યોજાશે. પોણાછ વાગ્‍યે ભગવાનને રથમાં બિરાજમાન કરવામાં આવશે. સાત વાગીને પાંચ મિનિટે ગુજરાતના મુખ્‍ય પ્રધાન ભૂપેન્‍દ્ર પટેલ પહિંદ વિધિ કરશે અને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. રથયાત્રામાં ૧૮ ગજરાજ, બે હજાર સાધુસંતો, ૧૦૦થી વધુ શણગારેલી ટ્રકો, ૧૮ ભજન મંડળી, ૩ બેન્‍ડવાજાં જોડાશે.

(11:39 am IST)