Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

રતનપોળમાં રોજની એક-બે દુકાનોને તાળાં લાગી રહ્યા છે

કોરોનાના કાળમાં વેપારીઓના હાલ-બેહાલ : લોકડાઉનમાં સદંતર ધંધા બંધ, અનલોકમાં પણ મંદીના ઝોકને કારણે ભાડેથી દુકાનો ચલાવનારાની મુશ્કેલી વધી

અમદાવાદ, તા. ૨૯ : આખા ગુજરાતમાં કાપડ બજારની કોઈપણ ફેશનની શરૂઆત  જ્યાંથી થતી હોવાનું કહેવાય છે તે સ્થળ  એટલે રતનપોળ. લગ્નસરામાં ખરીદી કરવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો રતનપોળમાં જ આવે. આ રતનપોળને જાણે કે કોરોનાનું ગ્રહણ લાગી ગયું હોય તેમ રોજેરોજ એક પછી એક દુકાન બંધ થઈ રહી છે. અનલોકની શરૂઆત થઈ ત્યારથી જ રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે. ભાડેથી દુકાન રાખી ધંધો કરતા વેપારીઓની સ્થિતિ દયનીય બની જતાં તેમણે દુકાન બંધ કરવી પડે છે. ત્રણ મહિનાથી કોઈ ધંધો નથી અને આગામી ઘણા દિવસો સુધી ગ્રાહકો આવવાના નથી તેને કારણે વેપારીઓની ધીરજ ખૂટી પડી છે. કોરોનાની મહામારીને લઈને ભારત સહિત ઘણા બધા દેશની ઈકોનોમી ડામાડોળ થઈ ગઈ છે.

                 લગભગ ૭૦ દિવસ સુધી રહેલા લોક ડાઉનમાં તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ રહ્યા. હજુ પણ બજારમાં જાણે કે ખરીદી થતી જ ન હોય તેવી સ્થિતિ છે. આ પરિસ્થિતિમાં રતનપોળમાં ભાડાની દુકાનમાં ધંધો કરતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. વેપારીઓની ફરિયાદ છે કે ત્રણ મહિના દુકાનો બંધ રહી પરંતુ તેનું ભાડું તો ચૂકવવું જ પડ્યું. કર્મચારીઓને પગાર પણ ચૂકવવો જ પડ્યો ટેક્સ અને અન્ય ખર્ચ આ ચાલુ રહ્યા. જ્યારે આવકના નામે હજુ મીંડુ જ છે. દુકાન માલિકને ભાડામાં કોઈ રાહત કરી આપવા કે દિવાળી સુધી ક્રેડિટ આપવાની રજૂઆત કરીએ તો તેઓ નકારી રહ્યા છે. જોકે તેમની પણ આવક આ ભાડું હોવાથી તેમને ક્રેડિટ રાખવાની કોઈ જગ્યા નથી. આના લીધે જ અનલોક શરૂ થયું અને બજારો ખુલ્યા ત્યારથી રતનપોળમાં રોજની એક દુકાન બંધ થઈ રહી છે. આ મહિનામાં ૨૫થી વધુ દુકાનો રતનપોળમાં બંધ થઈ ગઈ છે. જેને કારણે અન્ય વેપારીઓ પણ ચિંતામાં મુકાયા છે. બીજી તરફ જે ભાડાની દુકાન ખાલી કરી વેપારીઓ જઈ રહ્યા છે કે દુકાનમાં નવા ભાડુઆત અત્યારે મળતા નથી જેને કારણે દુકાન માલિકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રતનપોળના વેપારીઓ કહી રહ્યા છે કે લગ્નસરામાં જ્યારે આખા વર્ષનો ધંધો થઈ જતો હોય છે એ લગ્નસરો જ આ વખતે શરૂ થયો નહીં તેને કારણે તમામ વેપારીઓને મોટું નુકસાન થયું છે. ફેબ્રુઆરી-માર્ચમાં વેપારીઓએ લગ્નસરા માટે મોટો સ્ટોક કરી દીધો હતો. જે પણ દુકાનો લાંબો સમય બંધ રહેતા ઘણો માલ બગડી જવાથી વેપારીઓને નુકસાન થયું છે.

(10:00 pm IST)