Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

સોમનાથ - દ્વારકા - પોરબંદરને જોડીને ધાર્મિક સ્થળોના વિકાસ માટે ક્રુઝ સર્વિસ શરુ કરાશે

વેરાવળ ખાતે ક્રુઝ ટર્મિનલ બનાવવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરખાસ્ત

અમદાવાદ : રાજ્યના મહત્વના ધાર્મિક સ્થળોના વિકાસ માટે સરકાર હવે ક્રૂઝ સેવા શરૂ કરવાનું વિચારી રહી છે. વેરાવળ ખાતે ક્રુઝ ટર્મિનલ બનાવવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરખાસ્ત કરાઈ છે. આ દરખાસ્તને આધારે પ્રિ-ફિઝીબિલીટી રીપોર્ટ તૈયાર કરવા સુચના અપાઈ છે.

 કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે કે સોમનાથ - દ્વારકા - પોરબંદરને જોડીને ટુરિસ્ટ ડેસ્ટીનેશન બનાવવા સરકાર વિચારણા કરી રહી છે. આના દ્વારા ગુજરાતના 22 નાના બંદરોનો પબ્લિક પ્રાઇવેટ પાર્ટરશીપ મોડલથી વિકાસ કરવામાં આવશે. દરેક બંદર પર ફિશરિંગ જેટી, એગ્રીકલ્ચર જેટી, શિપ સમારકામ જેટી બનાવવામાં આવશે. નવલખી બંદરથી સીરામીક માલસામાન હેરાફેરી કરી શકાય તેવું પણ આયોજન થઈ રહ્યું છે.

   ગુજરાતના મનસુખ માંડવીયાને શિપ પોર્ટનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. ત્યારે રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ જાહેરાત કરી છે કે, દેશમાં કુલ 7300 કિલોમીટરના દરિયાઈ કિનારા પર 204 જેટલા બંદરો આવેલા છે તે તમામ બંદરોનો આગામી દિવસોમાં વિકાસ કરવામાં આવશે. સાથે જ ગુજરાતના 22 જેટલા બંદરોનો વિકાસ કરવામાં આવશે.

(9:39 pm IST)