Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

પિતા-પુત્ર દ્વારા મહિલા દર્દી સાથે દુષ્કર્મને લઈ હોબાળો

વિડિયો વાયરલ થતાં ડોકટર પિતા-પુત્ર પર ફિટકાર : સારવાર માટે આવતી મહિલા દર્દીઓની સાથે ચેકઅપના બહાને ચેડા : ડોકટર પિતા અને પુત્રને મેથીપાક ચખાડયો

અમદાવાદ,તા.૨૯  : પાટણ જિલ્લાના હારીજના સમી બજાર ખાતે દવાખાનુ ચલાવતાં ડોકટર પિતા-પુત્ર દ્વારા સારવાર માટે આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધ અને જાતીય શોષણની ગંભીર ઘટના સામે આવતાં અને આ અંગેનો વીડિયો સોશ્યલ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. રોષે ભરાયેલા લોકોએ વીડિયો વાયરલ થતાં અને બંને બાપ-બેટાની કાળા કામોનો ભાંડો ફુટતા તેઓને મેથીપાક ચખાડયો હતો. ભારે વિવાદ અને હોબાળા બાદ આખરે સ્થાનિક પોલીસ પણ હરકતમાં આવી હતી અને આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી. પાટણ જિલ્લાના હારીજના સમી બજાર ચાર રસ્તા પાસે ડોક્ટર મહેન્દ્ર મોદી છેલ્લા ૩૦ વર્ષથી દવાખાનું ચલાવી રહ્યા હતા. જો કે, તેમણે ડોકટરના આ ઉમદા વ્યવસાયને લાંછન લગાડતા હેવાનિયતની હદ વટાવી હતી. તેમણે ખુદ પોતાના દીકરા સાથે મળીને એકબીજાની મદદગારીથી દવાખાને સારવાર માટે આવતી મહિલાઓના ચેકઅપના બહાને તેમનું શારીરિક શોષણ કરી મોબાઇલમાં વીડિયો ઉતાર્યું હોવાનું સામે આવ્યું હતું. બંનેના ઉતારેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા ત્યારે પીડિત મહિલાઓ સહિતના લોકોએ હોસ્પિટલ જઈને બંનેને જઈ માર માર્યો હતો અને જોરદાર મેથીપાક ચખાડયો હતો. સારવાર કરાવવા આવતી મહિલાઓ સાથે શારીરિક સંબંધોનો ભાંડો ફૂટતાં લોકોએ મહેસાણાના મહેન્દ્ર મોદીની બરાબરની પીટાઈ કરી હતી. દર શનિવાર અને રવિવારે સમી ખાતેના મહેન્દ્ર દવાખાને આવતો હતો. બાકીના દિવસોમાં તેનો દીકરો કિશન વગર લાયસન્સે એ દવાખાનું ચલાવતો હતો. મહિલાઓ સાથેના શારીરિક સંબંધો સમયે ડોક્ટરનો દીકરો પણ સહભાગી થતો હતો.

         બાપ-દીકરો મહિલાઓના વીડિયો ઉતારતા હતા. આ સમગ્ર પ્રકરણને લઇ હવે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બીજીબાજુ, ઘટનાની ગંભીરતા અને વિવાદને લઇ પાટણ જિલ્લા પોલીસ વડા શોભાબેન ભૂતડા સમી પોલીસ સ્ટેશન પહોંચી ઘટનાની તપાસ કરી હતી.

(9:13 pm IST)