Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

રથયાત્રા દરમિયાન આકર્ષણ જમાવવા અખાડિયનો તૈયાર

૩૫થી વધુ અખાડિયનો, કુસ્તીબાજો પણ સુસજજ : પાંપણથી સાંેયને ઉંચકવી, છાતીથી સળિયો વાળવા, છાતી પર ૧૦૦ કિલોના પથ્થર રાખી હથોડાથી તોડવાના કરતબ

અમદાવાદ, તા.૨૯ :  અમદાવાદ શહેરમાં આગામી તા.૪ જુલાઈના રોજ નીકળનારી જગન્નાથજીની ૧૪૨મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ભગવાન જગન્નાથજીને પ્રિય એવા અખાડિયનો-કુસ્તીબાજો અને કરતબ કરનારા કલાકારો પણ રથયાત્રાના દિવસે નગરજનોમાં આકર્ષણ જમાવવા અને લોકોને અદભુત મનોરંજન પૂરું પાડવા ભારે મહેનત સાથેની તૈયારીઓ કરી રહ્યા છે. આ વર્ષે રથયાત્રામાં ૩૦થી વધુ અખાડાઓ અને ૩૫થી વધુ અખાડિયનો, કુસ્તીબાજો અને કરતબ કરનારા કલાકારો તેમ જ અંગ કૌશલ્યના પ્રયોગ બતાવનારા બોડી બિલ્ડરો આ વર્ષે અવનવા અને આકર્ષક કરતબો અને દિલધડક હેરતંગેઝ સ્ટંટ અને પ્રયોગો બતાવવા સજ્જ બન્યા છે. રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથને રીઝવવા માટે અને રથયાત્રાની શોભા વધારવા માટે અનેક આકર્ષણો રથયાત્રામાં સામેલ થતા હોય છે પરંતુ વર્ષોથી રથયાત્રામાં અખાડાઓનું એક આગવું અને અનોખુ મહત્વ છે, જે ખાસ કરીને નગરજનોમાં અને તેમાંય મહિલાઓ, બાળકો અને યુવાઓમાં ભારે આકર્ષણ અને મનોરંજનનું કેન્દ્ર બને છે, ત્યારે આ રથયાત્રામાં જોડાનારા ૩૦થી વધુ અખાડાઓના અખાડિયનો અંગ કસરતના તેમજ કલા-કૌશલ્યના અનોખા કરતબો કરે છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કુસ્તીબાજો પોતાના બોડી શેપ, ચેસ્ટ, ટ્રાયસેપ, બાયસેપથી લોકોનું ધ્યાન ખેંચતા હોય છે અને અનેક જોખમી તેમ જ દિલધડક પ્રયોગ અને કરતબો કરી લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે. ઉલ્લેખનીય છે કે, ભગવાન કૃષ્ણ અને ભાઈ બલરામે કંસના વધ પૂર્વે કુસ્તીબાજો સાથે મલ્લયુધ્ધ કર્યું હતું. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ મામા કંસનો વધ કરે છે. ધાર્મિક દંતકથાને ધ્યાનમાં રાખીને જ આ કુસ્તીબાજો ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા અખાડામાં બોડી બિલ્ડિંગના પ્રદર્શન અને અવનવા કરતબો અને પ્રયોગોની પરંપરા નિભાવી રહ્યા છે. આ વખતની રથયાત્રા દરમ્યાન સૌથી મહત્વના આકર્ષણો પાંપણથી સોયને ઉંચકવી, છાતીથી સળિયા વાળવા, ચક્રદાવ, બાણશૈય્યા, લાઠીદાવ, છાતી પર ૭૦થી ૧૦૦ કિલોના પથ્થર રાખી હથોડાથી તોડવા, શરીર પર પાટીયું રાખી મોટરસાયકલ ચલાવવી સહિતના જોખમી અને હૃદયના ધબકારા વધારી તેવા કરતબો જોવા મળશે. તો આ તરફ કોઈ ભગવાનની ભક્તિ કરીને તો કોઈ ભગવાનની સેવા પૂજા કરી ભગવાન જગન્નાથજીને રીઝવવાનો પ્રયાસ કરે છે, ત્યારે રથયાત્રામાં વર્ષોથી બોડી બિલ્ડિંગના દાવેપેચ દાખવતા આ કુસ્તીબાજો ભગવાનને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. રથયાત્રાની સાથે સાથે આજે પણ અખાડાઓ, તેના અખાડિયનો અને તેમના અંગ કસરતના દાવો તેમજ કરતબોનું એટલું જ આકર્ષણ યથાવત રહ્યું છે.

         અખાડિયનો, કુસ્તીબાજો અને કરતબકારોની મહેનત અને તેમના કરતબો એટલા માટે પણ દાદ માંગી લે છે કારણ કે, રથયાત્રાના એક દિવસ માટે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના આશીર્વાદ મેળવવાની સાથે સાથે નગરજનોને આકર્ષણ અને મનોરંજન પૂરું પાડવા તેઓ લગભગ પાંચ-છ મહિના પહેલા ટ્રેનીંગ અને પ્રેકટીસ શરૂ કરી દેતા હોય છે. બહુ મહેનત અને આકરી તપશ્ચર્યા પછી તેઓ આવી નિપુણતા હાંસલ કરી શકતા હોય છે.

(8:24 pm IST)