Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ખેડા એલસીબીએ ડભાણ ચોકડીએથી 96 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે કારને ઝડપી

ખેડા :એલસીબી પોલીસે ડભાણ ચોકડીએથી દારૂ ભરેલી ગાડીનો પીછો કરી કમળા પાસેથી પકડી પાડી તેમાંથી રૂ.૯૬,૦૦૦ નો દારૂ મળી આવતા જપ્ત કરીને એક શખ્સને ઝડપી પાડ્યો હતો જો કે ચાલક ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. 

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા એલસીબી પોલીસની ટીમ ગત મોડી રાત્રીના સમયે પેટ્રોલીંગ કરી રહી હતી, દરમિયાન ખેડા તરફથી એક સફેદ કલરની હ્યુન્ડાઈ એસન્ટ ગાડી નં જીજે ૦૧ એચએન ૯૨૧૬ માં વિદેશી દારૂ ભરી નડિયાદ તરફ લઈ જવાતો હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમે ડભાણ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ખેડા તરફથી ઉક્ત કાર આવતાં પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. જો કે ગાડીના ચાલકે ગાડી ધીમી પાડી ન હતી. જેથી પોલીસે પોતાના હાથમાંની લાકડી આડી કરી ગાડી રોકવા પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં ગાડી ઉભી ના રાખતાં લાકડી ગાડીના ડ્રાઈવર સાઈડે કાચ પર અથડાતાં કાચ તુટી ગયો હતો. પરંતુ ગાડીના ચાલકે ગાડી પુરઝડપે હંકારી મૂકી હતી. જેથી પોલીસની ટીમે આ ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જેથી દારૂ ભરેલ ગાડીના ચાલક કમળા રેલ્વે ઓવરબ્રિજ નીચે ગાડી ઉભી રાખી અંધારાનો લાભ લઈ ભાગી ગયો હતો. જો કે પોલીસે ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ વિશાલ ઉર્ફે જાડીયો હિંમતસિંહ ઉર્ફે કાભઈભાઈ વાઘેલા (રહે.મોટાકુવા, રામપુરા રોડ, ચકલાસી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડીમાં તલાશી લેતાં તેમાંથી કિંમત રૂ.૯૬,૦૦૦ ની ૨૪૦ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પકડાયેલા વિશાલ વાઘેલાની પૂછપરછ કરતાં તેણે ભાગી ગયેલ ગાડીના ચાલકનું નામઠામ જાણતો ન હોવાનું જણાવ્યું હતું. તેમજ આ દારૂ જથ્થો ભરતસિંહ ઉર્ફે બોબો વાઘેલા (રહે.ચકલાસી,ઉમેદપુરા)એ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. 

(5:43 pm IST)