Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ગળતેશ્વર તાલુકાના સોનીપુરામાં નજીવી બાબતે દિયર-ભાભી બાખડ્યા: દિયર કેરોસીન છાંટી ભાભી પર હુમલો કરતા ગંભીર ઇજા

ગળતેશ્વર:તાલુકાના સોનીપુરા તાબે છીંકરીયા ગામમાં નજીવી બાબતે ભાભી-દિયર વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા દિયરે મા સમાન ભાભી પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં ગંભીર દાઝેલા ભાભીને સારવાર માટે દાખલ કર્યાં છે. સેવાલિયા પોલીસે દિયર સામે ખૂનની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના સોનીપુરા તાબે છીંકારીયા ગામમાં ભાથીજી મંદિર નજીક રહેતાં ડાહ્યાભાઈ માલાભાઈ પરમારે તેમનું ઘર ઉતારતાં સમયે બાજુમાં રહેતાં તેમના સગાભાઈ ચંદુભાઈ માલાભાઈ પરમારના ઘરનો મોભ તૂટી ગયો હતો. એવામાં વરસાદ વરસતાંની સાથે જ ચંદુભાઈના ઘરમાં પાણી ભરાઈ ગયું હોવાથી ચંદુભાઈના પત્નિ ભુરીબેન (ઉં.વ ૭૦) ગતરોજ સવારના સમયે ઘરમાંથી પાણી બહાર કાઢતાં હતાં. આ સમયે ભુરીબેને તેમના દિયર ડાહ્યાભાઈને ઠપકો આપતાં જણાવ્યું હતું કે તમારૂ ઘર તોડતા સમયે અમારા ઘરનો મોભ તૂટી જવાથી વરસાદનું પાણી અમારા ઘરમાં ભરાય છે. આ વાત સાંભળી ડાહ્યાભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરમાંથી કેરોસીનનું ડબલુ લઈ આવ્યાં હતાં. અને ભાભી ભુરીબેન પર છાંટ્યું હતું. જેથી ગભરાયેલા ભુરીબેન બૂમાબૂમ કરવા લાગ્યાં હતાં. જો કે તે સમયે ઘરમાં તેઓ એકલા હોવાથી કોઈ મદદે આવ્યું ન હતું. બીજી તરફ નજીવી બાબતે ઉશ્કેરાઈ ગયેલા ડાહ્યાભાઈએ દિવાસળી સળગાવી તેમના ભાભી ભુરીબેન પર ફેંકી હતી. જેથી એકદમ ભડકો થઈ તેમનું શરીર સળગવા લાગ્યું હતું. જો કે સદનસીબે ઘરના સભ્યો આવી જઈ ભુરીબેનના શરીર પર ગોદડીઓ નાંખી આગ ઓલવી હતી. અને શરીરે દાઝી ગયેલા ભુરીબેનને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક નજીકના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યાં બાદ વધુ સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

(5:42 pm IST)