Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

બનાસકાંઠાના ડીસામાં ખેડૂતે ગટરના પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફુલોનો ઉત્પાદન કર્યુ

બનાસકાંઠા: આમતો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોય છે પરંતુ ડીસાના એક ખેડૂતે આ ગટરના દુર્ગંધયુક્ત પાણીમાં પોતાનો પરસેવો રેડીને સુગંધીદાર ફૂલોનું ઉત્પાદન કર્યું છે. અને મબલક કમાણી કરી રહ્યો છે. ડીસાના નરેન્દ્ર સૈની નામના યુવાન ખેડૂતે પોતાની આગવી સૂઝબુઝથી અનોખી રીતે ખેતી કરી બતાવી છે. ડીસાના આ ખેડૂતે પોતાના પરસેવાથી કમાલ કરી બતાવી છે.

યુવાન ખેડૂત નરેન્દ્ર સૈની ડીસા શહેરના મારવાડી મોચીવાસ વિસ્તારમાં પાંચ વીઘા જમીન ધરાવે છે. પરંપરાગત ખેતી કરતાં નરેન્દ્ર સૈનીએ શહેરની ગટરોનું જે પાણી તેમના ખેતર નજીકથી વહેતું હોય છે, તે પાણીને પોતાના ખેતરમાં વાળીને તેનો સિંચાઇ તરીકે ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં ગુલાબ અને ગલગોટાની ખેતી કરીને આ દુર્ગંધ યુક્ત પાણીમાં પણ પરસેવો પાડીને ગુલાબની ખેતી કરતાં અત્યારે તેમનું ખેતર ગટરની દુર્ગંધના બદલે ગુલાબની સુગંધમાં ફેરવાઇ ગયું છે.

એકદમ બદબુદાર પાણી કે જેની આસપાસથી પસાર થવાથી પણ માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારતું હોય તેવા પાણીનો સિંચાઇ તરીકે નરેન્દ્ર સૈનીએ ઉપયોગ કર્યો અને પોતાના ખેતરમાં આ પાણી વાળીને આવા દુર્ગંધ યુક્ત પાણીમાં પણ ગુલાબની સફળ ખેતી કરી. જેના ફળસ્વરૂપે આજે નરેન્દ્ર સૈનીનું ખેતર ગુલાબની ખુશ્બુથી મહેંકી ઉઠ્યું છે. 10 વર્ષ અગાઉ જ્યારે અહીં ખેતરના પાણીના તળ ઊંડા જતા ખેડૂત 3 વર્ષ ખેતી કર્યા વગર બેસી રહ્યો હતો જોકે ત્યાર બાદ ખેતરના બાજુમાંથી વહી જતા ગટરના ગંદા પાણીનો ઉપયોગ કરી ફૂલોની ખેતી કરી તેમાં મબલક કમાણી મેળવી રહ્યો છે.

ગંદા પાણીના આ રીતે ફૂલોની ખેતીમાં થતા સદઉપયોગને કૃષિ વૈજ્ઞાનિક પણ બિરદાવી રહ્યા છે. અને ગંદા પાણીમાં તત્વો વધુ હોવાથી ફૂલોનું ઉત્પાદન પણ વધુ થતું હોવાનું તેમજ કોઈ પણ જાતનું નુકશાન ન થતું હોવાનું સ્વીકાર રહ્યા છે. જોકે ગંદા પાણીથી શાકભાજીને નુકશાન થવાની પૂરેપૂરી સંભાવના છે. ડીસાનો આ પ્રગતિશીલ ખેડૂત ગટરના ગંદા પાણીનો સદઉપયોગ કરીને મબલક કમાણી કરી રહ્યો છે. ત્યારે લોકો પણ પોતાના ઘરમાંથી બહાર વહી જતા પાણીનો સદઉપયોગ કરે તે જરૂરી છે.

(4:42 pm IST)