Gujarati News

Gujarati News

News of Saturday, 29th June 2019

ક્રિકેટનો સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની મુંબઇ પોલીસે ધરપકડ કરી

મહેસાણા જિલ્લાના બન્ને આરોપીઓ જુહુની પોશ સન એન્ડ સેન્ડ હોટેલમાં ભારત-વેસ્ટ ઇન્ડીઝની મેચમાં સટ્ટો લેતા હતા

મુંબઇ, તા. ર૯ : આઇસીસી વર્લ્ડ કપની ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની મેચમાં સટ્ટો લેતા ગુજરાતના બે બુકીઓની જુહુ પોલીસે જુહુની પોશ સન એન્ડ સેન્ડ હોટેલમાંથી ધરપકડ કરી છે. આરોપી ર્ધરાજ બાબુલભાઇ વાળા અને અંબરીષ બીપીનભાઇ બ્રહ્મભટ્ટની ફોર્જરી અને ગેમ્બલિંગ એકટ હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં હાજર કરવામાં આવતા બંન્ને ૩ જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બંનને આરોપી પાસેથી ર૭ મોબાઇલ, બે લેપટોપ, ૧ ટેબ અને મોબાઇલ માટેનું એક કનેકટર મશીન તથા ૪૪,૦૦૦ રૂપિયાની રોકડ સહિત કુલ ૩ લાખ રૂપિયાની માલમતા પોલીસે હસ્તગત કરી હતી. બંન્ને બુકીઓની તેઓ કોની સાથે સટ્ટો રમતા હતાં એ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે.

જુહુના સિનિયર પીઆઇ પંઢરીનાથ વાહવલે જણાવ્યું હતું કે બન્ને આરોપી મહેસાણા જિલ્લાથી મુંબઇ આવ્યા હતા. ગુજરાત રાજયમાં પકડાઇ જવાના ભયને કારણે બંન્ને આરોપી જુહુની પોશ હોટેલ સન એન્ડ સેન્ડ હોટેલમાં બે દિવસ પહેલા આવ્યા હતાં અને વર્લ્ડ કપની મેચો પર સટ્ટો લેતા હતા. અમારા ખબરી પાસેથી મળેલી માહિતીના આધારે અમે હોટેલ પર દરોડો પાડીને બંન્ને બુકીઓની સટ્ટો લેતી વખતે રંગેહાથ ધરપકડ કરી હતી.

ગુજરાતથી મુંબઇની હોટેલમાં સટ્ટો લેવા આવેલા બુકીઓને પકડવાની કાર્યવાહી વધારાના કમિશનર ડો. મનોજકુમાર શર્મા અને ડીસીપી પરમજિત ધૈયાની આગેવાની હેઠળ સીનિયર પીઆઇ પંઢેરીનાથ વાહવલ અને ટીમે પાર પાડી હતી.

(11:47 am IST)