Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

બેન્કની ભૂલથી ખાતામાં જમા થયેલા 20 લાખ સુરતના શખ્શે ડેબિટકાર્ડનો ઉપયોગ કરી ધડાધડ વાપરી નાંખ્યા

બીજાના ખાતામાં જમા થયેલ રકમ બેંકે પાછી મેળવી લીધી ;પરેશે પરત નહિ આપતા પોલીસ ફરિયાદ

સુરત: સુરતના બેન્કની ભૂલથી ખાતેદારોના ખાતામાં મોટી રકમ જમા થઇ ગઈ હતી જોકે બેન્કના ધ્યાનમાં બાબત આવતા ખાતેદારો પાસેથી રકમ પરત મેળવી લીધી હતી દરમિયાન એક શખ્શે રૂપિયા વાપરી નાખીને પરત નહિ કરતા બેંકે પોલીસ ફરિયાદ દાખલ કરી છે બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવતા પરેશ ગોધાણી નામના શખ્સના અકાઉન્ટમાં ડેટા અપગ્રેડેશન દરમિયાન ભૂલથી 20 લાખ રુપિયા જમા થઈ ગયા હતા, જેનો પરેશે બેંકને જણાવ્યા વિના બારોબાર વહીવટ કરી નાખ્યો હતો.

   બેંકને અંગે ખબર પડી ત્યારે પરેશ પાસેથી 20 લાખ રુપિયાની ઉઘરાણી કરાઈ હતી, પરંતુ ત્યાં સુધી તો તેનો વહીવટ થઈ ચૂક્યો હતો. અંગે બેંકના મેનેજર રાજીવ માથુરે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેમાં જણાવાયું છે કે, બેંક ઓફ ઈન્ડિયાની મહલ રોડ બ્રાંચ પરેશ ગોધાણીના બે ખાતાં આવેલા છે, જેમાં ઓક્ટોબર 2017ના રોજ ભૂલથી પૈસા જમા થઈ ગયા હતા.

અન્ય ખાતેદારોના ખાતામાં પણ તે સમયે ટેકનિકલ ભૂલથી મોટી રકમ જમા થઈ ગઈ હતી. જોકે, બેંકે ખાતેદારોનો સંપર્ક કરી તેમને પૈસા પાછા આપવા વિનંતી કરી હતી, અને પરેશ ગોધાણી સિવાયના તમામ લોકોએ પૈસા પરત કરી દીધા હતા. નવાઈની વાત છે કે, ગોધાણીના ખાતામાં પૈસા જમા થયા તે પહેલા તેના અકાઉન્ટમાં એક રુપિયો પણ નહોતો.

   પોલીસના જણાવ્યા અનુસાર, ખાતામાં અચાનક 20 લાખ રુપિયા જેટલી રકમ જમા થઈ ગયા બાદ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ગોધાણીએ ધડાધડ તે રુપિયા વાપરી નાખ્યા હતા. ગોધાણીનું બેંકમાં કરંટ તેમજ સેવિંગ્સ અકાઉન્ટ હતું. ગોધાણીનું નિવેદન નોંધવાનું પણ હજુ બાકી છે. જોકે, તેની સામે પુરાવા મળ્યા બાદ પોલીસ તેની ધરપકડ કરે તેવી પૂરી શક્યતા છે.

   બેંકોમાં ટેકનિકલ અપગ્રેડેશન દરમિયાન ક્યારેક સોફ્ટવેરમાં કોઈ ભૂલ થવાના કારણે કે એરરને લીધે ક્યારેક ખાતેદારોના અકાઉન્ટમાં રુપિયા જમા થઈ જતા હોય છે, તો ક્યારેક કપાઈ પણ જતા હોય છે. જોકે, બેંકોની તમામ સિસ્ટમ ઓનલાઈન હોવાના કારણે કોના ખાતામાં કેટલી રકમ જમા થઈ છે કે કપાઈ છે તેની તરત ખબર પડી જાય છે, અને ખાતેદારો પાસેથી તેની રિકવરી કરાય છે.

ક્યારેક એટીએમમાં પણ જેટલી રકમ નાખો તેના કરતા વધારે પૈસા નીકળતા હોવાના સમાચાર પણ આવતા હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ નોટ ખોટી ટ્રેમાં નાખી દેવાય. જેમ કે, 500ની નોટની ટ્રેમાં 2000ની નોટ ભૂલથી નખાઈ જાય તો કોઈ 500 રુપિયા ઉપાડે તો તેને 2000 રુપિયા મળે છે. જોકે, આવું થાય ત્યારે કોને વધારે રુપિયા મળ્યા તે ડેટા પણ બેંકને તરત મળી જતો હોય છે, અને અકાઉન્ટમાંથી એટલી રકમ કપાઈ જતી હોય છે.

(9:55 pm IST)