Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સાયબર ક્રાઈમ નિષ્ણાતોની સાથે રૂપાણીની વિસ્તૃત ચર્ચા

વિજય રૂપાણી ઇઝરાયેલમાં વિવિધ કાર્યક્રમોમાં : ઇઝરાયેલે વિકસિત કરેલી આધુનિક ક્ષમતાનો ગુજરાતમાં સાયબર ક્રાઈમ પડકારોની સામે સજ્જતા માટે વિનિયોગ

અમદાવાદ,તા.૨૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વના ગુજરાત ડેલિગેશનના ઈઝરાયલ પ્રવાસના ત્રીજા દિવસે તેમણે ઈઝરાયેલે સાયબર ક્રાઈમ ડિટેકશન, પ્રિવેન્શન અને ગુન્હા શોધનના ક્ષેત્રે વિકસાવેલી સ્ટેટ ઓફ ધ આર્ટ ક્ષમતાઓના ક્ષેત્રના તજજ્ઞ સંચાલકો સાથે બેઠક યોજી હતી અને પ્રેઝન્ટેશન અને ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ ઈઝરાયલ દ્વારા સાયબર ક્રાઈમને નાથવા વિકસાવાયેલી આ ક્ષમતાઓનો વ્યાપક વિનિયોગ ગુજરાતના સાયબર ક્રાઈમ યુનિટસમાં કરીને પ્રવર્તમાન વિશ્વમાં સાયબર ક્રાઈમના પડકારોને પહોચી વળવાની સજ્જતા કેળવવાની દિશામાં પણ વિચાર-વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું કે સાયબર ક્રાઈમના વધતા જતા વ્યાપને નાથવા ગુજરાતે અભિનવ પહેલ કરીને આ વર્ષે રાજ્યમાં ચાર સાયબર સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો છે તેમાં પણ ઈઝરાયલની આ વિશ્વકક્ષાની શ્રેષ્ઠ સાયબર ક્રાઈમ ડિટેક્શન-પ્રિવેન્શન-ફોરેન્સિક્સ સ્ટેટ ઓફ દ આર્ટ ક્ષમતાઓનો ઉપયોગ કરાશે. વિજય રૂપાણીએ કહ્યું કે, આ અભિનવ શરૂઆતથી જ ઈઝરાયલ જેવા રાષ્ટ્રની આવી ક્ષમતાઓના વિનિયોગથી ગુજરાત દેશમાં સાયબર ક્રાઈમના પડકારોને સફળતાપૂર્વક પાર પાડવામાં માર્ગદર્શક બનશે. અન્ને એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાતે ભારત તેમજ વિશ્વની વિવિધ સિક્યુરિટી અને ઈન્વેસ્ટીગેટીવ એજન્સીસને સાયબર ક્રાઈમ સહિતની ગુનાખોરી સામે સ્કીલ્ડ તાલીમબદ્ધ મેન પાવર ઉપલબ્ધ કરાવવાના હેતુથી નવતર પહેલ રૂપે વિશ્વની પ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં શરૂ કરી છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન અને તેમના સ્વપ્ન સમી આ યુનિવર્સિટી ૨૦૦૯માં તેમના મુખ્યમંત્રીપદ દરમિયાન ગાંધીનગરમાં સ્થાપવામાં આવી છે. વડાપ્રધાન આ ઈનિશિયેટિવને પીઠબળ પુરું પાડવાના હેતુથી ગુજરાતને સેન્ટ્રલ સ્ટેટ શેરિંગ અન્વયે ફંડ-ભંડોળ મળે છે. આ ભંડોળનો ઉપયોગ ફોરેન્સીક્સ સાયન્સ યુનિવર્સિટીમાં સાયબર ક્રાઈમ ડિટેક્શન અને ગુનાશોધનના વિષયોને વિશાળ ફલક આપવા માટે કરવામાં આવે છે.

(8:54 pm IST)