Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

સોશિયલ મિડિયામાં બાળક ચોર ટોળકીને લઇ અફવાઓ

બાતમીદાર તરીકે ભિક્ષુકોની મદદ લેવા તૈયારી : સ્થાનિક પોલીસ તેમના વિસ્તારના ભિક્ષુકોને બાતમીદાર બનાવશે : શકમંદ દેખાતા તરત પોલીસને જાણ કરી દેવાશે

અમદાવાદ,તા. ૨૯ : અમદાવાદ સહિત રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસોથી 'બાળક ચોર' ટોળકીને લઇ સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી અફવા બાદ ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ હવે અમદાવાદ શહેર પોલીસે આ વિકટ સમસ્યાના નિવારણમાં ભિક્ષુકોને બાતમીદાર તરીકે સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. ખુદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંહ દ્વારા શહેરના તમામ પોલીસ મથકોને દરેક વિસ્તારના ભિક્ષુકોનો બાતમીદાર તરીકે ઉપયોગ કરવા અને અફવાઓને લઇ સર્જાતી ઘટનાઓ રોકવા કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બાળક ચોર ટોળકની અફવાઓને લઇ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઘણી જગ્યાએ નિર્દોષોને ભોગ બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક મહિલાનું તો આવી ભૂલના કારણે ઢોર માર મારવામાં આવતાં કરૂણ મોત નીપજયું હતું. જેને પગલે પોલીસ તંત્ર સહિત ખુદ રાજયનું ગૃહવિભાગ પણ હરકતમાં આવ્યું હતુ અને આવા કિસ્સાઓમાં લોકોને કાયદો હાથમાં નહી લેવા માર્ગદર્શિકા જારી કરાઇ હતી. શહેર પોલીસ કમિશનરની સૂચનાને પગલે હવે સ્થાનિક પોલીસ તેમના વિસ્તારમાં જોવા મળતાં ભિક્ષુકોને મળશે અને તેમને પોલીસની મદદ કરવા જણાવશે. ભિક્ષુકો શંકાસ્પદ વ્યક્તિ, હિલચાલ અથવા અફવા ફેલાવતાં લોકોનું પણ ધ્યાન રાખશે અને પોલીસકર્મીને તેની જાણ કરશે. ઉપરાંત જે તે વિસ્તારમાં અજાણી વ્યક્તિને શંકાના આધારે ઘેરવામાં આવે અથવા મારપીટ કરવામાં આવે તો પણ તેની જાણ ભિક્ષુકો તેમના વિસ્તારના પોલીસ સ્ટેશન અથવા પોલીસકર્મીને કરશે. બાળકો ઉપાડી જતી ટોળકીની અફવા એટલી હદે વાયરલ થઇ છે કે લોકો કોઇપણ વ્યક્તિ ઉપર શંકા કરવા લાગે છે અને તરત જ ટોળું બની તેને મારવા લાગે છે. પોલીસને જાણ થાય અથવા પોલીસ પહોંચે ત્યાં સુધી તો સામેવાળી વ્યક્તિ ટોળાની ગંભીર રીતે શિકાર બને છે. વાડજવાળી ઘટના બાદ પોલીસ સતર્ક બની છે અને શહેરમાં અફવાને લીધે કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય તે માટે પોલીસ એલર્ટ રહેવા માગે છે. પોલીસને આવી ઘટના કે વ્યક્તિ અંગે તરત જ માહિતી મળી રહે માટે ભિક્ષુકોનો બાતમીદાર તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, દરેક વિસ્તાર અને સોસાયટીની આસપાસ, ચાર રસ્તા પર અને ખાણીપીણીની જગ્યાની આસપાસ ભિક્ષુકો જોવા મળતાં હોય છે.

શહેરના પોલીસ સ્ટેશનની હદમાં આવતાં વિસ્તારોમાં પોલીસકર્મી જશે અને ભિક્ષુકોને પોલીસની મદદ કરવા જણાવશે. જેથી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી શકે. કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ કે ઘટનાની જાણ ભિક્ષુક તેમના નજીકના પોલીસ સ્ટેશન કે અધિકારીને કરી શકશે. બાળકચોર ટોળકીની સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી અફવાને લઇ કોઇ નિર્દોષ નાગરિક કે વ્યકિત ભોગ ના બને અને જીવ ના ગુમાવે તે જ પોલીસ તંત્રનો ઉમદા આશય છે. પોલીસે જાહેરજનતાને સોશ્યલ મીડિયામાં ચાલી રહેલી આવી અફવાઓથી ગેરમાર્ગે નહી દોરવાવા અને આવું કઇં જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.

(8:53 pm IST)