Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

પાસપોર્ટમાં વેરીફિકેશન માટે પોલીસ તમારા ઘેર નહી આવે

પોલીસ વેરીફિકેશનની પ્રક્રિયા કમી કરાતાં રાહત : અરજદાર સામે કોઇ ગુનેગારી રેકોર્ડ છે કે કેમ તે બાબતની તપાસ પોલીસ કરશે : અરજદારના સંપર્કની જરૂર નહી

અમદાવાદ,તા.૨૯ : પાસપોર્ટ ઈશ્યૂ તેમજ રિન્યૂ કરવાની સમગ્ર પ્રોસેસને હવે સાવ સરળ બનાવી દેવાઈ છે, ત્યારે હવે જેના લીધે પાસપોર્ટ ઈશ્યુ થવામાં મોડું થતું હતું તેવી પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયાને પણ કાઢી નાખવામાં આવી છે. જો અરજદાર સામે કોઈ પોલીસ કેસ ન હોય, કોઈ કોર્ટ કેસ ન ચાલતો હોય તેમજ તેણે ભૂતકાળમાં બોગસ પાસપોર્ટનો કેસ ન થયો હોય તેમનું વેરિફિકેશન નહીં થાય. એટલે કે, પાસપોર્ટ વેરીફિકેશન માટે હવે પોલીસ તમારા ઘરે નહી આવે.  સત્તાવાળાઓના આ નિર્ણયને પગલે પાસપોર્ટ કઢાવવા ઇચ્છતા હજારો લોકોને બહુ મોટી રાહત થઇ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હટી જવાનો સૌથી મોટો ફાયદો એ થશે કે હવે તમને અરજી કર્યાના માંડ પંદરેક દિવસમાં જ પાસપોર્ટ મળી જશે. અગાઉ પોલીસ વેરિફિકેશન પેન્ડિંગ રહેવાના કારણે પાસપોર્ટ ઈશ્યુ થવામાં એકથી ત્રણ મહિના લાગી જતા હતા. હવે તો ઓનલાઈન અરજી કર્યાના દસેક દિવસમાં જ અપોઈન્ટમેન્ટ મળી જાય છે, અને ત્યારબાદ એકાદ અઠવાડિયામાં જ પાસપોર્ટ ઘરે આવી જાય છે. જે પણ વ્યક્તિ હવે પાસપોર્ટ માટે અપ્લાય કરશે, તેનું સામાન્ય સંજોગોમાં ફિઝિકલ વેરિફિકેશન કરવાને બદલે પોલીસ માત્ર તેનો ક્રિમિનલ રેકોર્ડ જ ચેક કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાસપોર્ટ વિભાગે હવે પોલીસને અરજદારની ઓળખ, દસ્તાવેજ તેમજ તેનું સરનામું વેરિફાય કરવાની જવાબદારીમાંથી હવે મુક્તિ આપી છે. આ બધી પ્રોસેસ કરવાને બદલે હવે પોલીસે માત્ર એટલું જ ચેક કરવાનું રહેશે કે અરજદાર સામે કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહી. અત્યાર સુધી પાસપોર્ટ ઓફિસ અરજદારનું વેરિફિકેશન કરવા માટે પોલીસને નવ કોલમનું ફોર્મ મોકલી આપતી હતી. જેમાં એપ્લિકન્ટનું વેરિફિકેશન, એડ્રેસ કન્ફર્મ કરવાથી લઈ ડોક્યુમેન્ટ ચેક કરવા એમ ત્રણ કોલમ હતા, જેને પાસપોર્ટ ઓફિસે હટાવી લીધા છે. જે છ કોલમ આ ફોર્મમાં રખાયા છે તેમાં પોલીસે અરજદાર સામે કોઈ કેસ ચાલે છે કે કેમ તે જ જણાવાનું રહેશે. જોકે, તેના માટે અરજદારનો સંપર્ક કરવાની કોઈ જરુર નથી. મહત્વનું છે કે, અગાઉ પાસપોર્ટ ઓફિસ પણ પોલીસ વેરિફિકેશનમાં મોડું થતું હોવાના કારણે પાસપોર્ટને જલ્દીથી ઈશ્યુ કરી નહોતી શકતી. એટલું જ નહીં, ઘણીવાર તો પોલીસ વેરિફિકેશનના નામે અરજદારો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાની વ્યાપક ફરિયાદો પાસપોર્ટ ઓફિસને મળી હતી. જો કે, હવે આ સમગ્ર પ્રક્રિયા જ બંધ કરી દેવાતા લોકોને થતી હાલાકી પણ બંધ થઈ જશે. પાસપોર્ટ સત્તાવાળાઓના આ નવા નિર્ણયને લઇ પાસપોર્ટવાંચ્છુ લોકોને બહુ મોટી રાહત મળી છે.

(8:53 pm IST)