Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધો. ૧૨ સાયન્સ પરિણામના આધારે તા. ૨ થી પેરામેડીકલના ૭ કોર્ષની ૧૭ હજાર બેઠકો પર પ્રવેશ

જનરલ નર્સીંગનો પેરામેડીકલમાં સમાવેશ : કમિટિઓની રચના

રાજકોટ તા. ૨૯ : ગુજરાતમાં સાત અભ્યાસક્રમની ૧૭ હજાર પેરામેડિકલમાં પ્રવેશ કાર્યવાહી તા. ૨ જુલાઇથી શરૂ થશે.  પેરામેડિકલમાં કુલ ૮ કોર્સીસ માટે રાજય સરકાર દ્વારા પ્રવેશના નિયમો જાહેર કરવા સાથે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરાઈ છે.

૭ કોર્સીસમાં ૧૭ હજારથી વધુ બેઠકો છે.જેમાં બીએસસી નર્સિંગની ૩૮૦૦, ફિઝિયોથેરાપીની ૪૩૦૦, ઓપ્ટોમેટ્રીની ૨૧૫, ઓર્થોટિકસ-પ્રોસ્થોટિકની ૧૦, ઓડિયોલોજીની ૨૫, જેએનએમની ૩૦૦૦ અને એએનએમની ૫૬૦૦ બેઠકો છે.આ વર્ષે ફિઝિયોથેરાપી અને નર્સિંગની નવી કોલેજો આવે તેવી શકયતા છે જેથી બેઠકો વધશે.

આ વર્ષે સરકારે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, ઓપ્ટોમેટ્રી, ઓડિયોલોજી, ઓર્થોટિકસ, ઓકયુપેશનલ થેરાપી, જેએનએમ અને એએનએમ સહિતના કુલ ૮ કોર્સીસમાં પ્રવેશ માટે એક અલગથી પ્રવેશ સમિતિ બનાવી છે.આ પ્રવેશ સમિતિ દ્વારા આજે આ કોર્સીસમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

 જે મુજબ ૨જી જુલાઈથી પિનવિતરણ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. જેમાં ૧૦ જુલાઈ સુધી પિનવિતરણ અને ૧૧ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલશે. જયારે હેલ્પ સેન્ટર પર ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાવવાની મુદ્દત ૧૩ જુલાઈ સુધીની છે.

આ કોર્સમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન ફોર્મ-પિનની કિંમત ૨૦૦ રૂપિયા છે અને જે નક્કી કરાયેલી બેંકની બ્રાંચોમાંથી મળશે.

(4:05 pm IST)