Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

અલ્‍પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ થયાની ચર્ચા

ગઈકાલે મીટીંગમાં મોડા ગયા અને તેમના જૂથના અમુક ધારાસભ્‍યો ગેરહાજર રહ્યાની ચર્ચા

રાજકોટ, તા. ૨૯ : ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં ઉકળતો ચરૂ નજરે પડયા બાદ ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થઈ રહ્યાના વાવળ વચ્‍ચે કોંગ્રેસમાં વધુને વધુ વિખવાદો ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે મીટીંગમાં દોઢ ડઝન જેટલા ધારાસભ્‍યોની ગેરહાજરી બાદ આજે કોંગ્રેસમાં એવી ચર્ચાએ જોર પકડયુ છે કે કુંવરજી બાવળીયા જેવા જ કારણોસર અલ્‍પેશ ઠાકોર પણ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યાનું મનાય છે. રાધનપુરાની લોકસભા બેઠક આસપાસ અનેકવિધ ચકરાવા મંડાઈ રહ્યા છે.

કોંગ્રેસમાં એક નવી ચોંકાવનારી ચર્ચાએ જોર પકડયુ છે કે અલ્‍પેશ ઠાકોર રીસાયા છે અને કોંગ્રેસના સત્તાવાર કાર્યક્રમોના બદલે આર.ટી.ઈ. ફી વધારા સહિતના મુદ્દે અલગ રીતે કાર્યક્રમો આપવાના કારણે અનેકવિધ ચર્ચાએ જોર પકડયુ છે. કોંગ્રેસનું એક જૂથ છાનેખૂણે એવી ગુપસુપ કરી રહ્યુ છે કે કોંગ્રેસના ચોક્કસ નેતાઓના ઝૂકાવ ભાજપ તરફ વધી રહ્યાનું મનાય છે.

દરમિયાન રાધનપુરા લોકસભા બેઠકને લઈને પણ કંઈક નવા રાજકીય સમીકરણો ગોઠવાઈ રહ્યા છે અને ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડવા પેંતરાઓ આદર્યાનું મનાય છે.

કોંગ્રેસ સૂત્રોમાં જ ચર્ચાતી વિગતો મુજબ કુંવરજીભાઈ બાવળીયા જે મુદ્દે સ્‍થાનિક પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા એ જ મુદ્દે અલ્‍પેશ ઠાકોર પણ નારાજ થયા હોવાનું મનાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અલ્‍પેશ ઠાકોર વિપક્ષી નેતા બને તે માટે પ્રયાસો આદરાયા હતા બાદમાં પ્રદેશ પ્રમુખ તરીકે પણ અલ્‍પેશ ઠાકોરનું નામ જોરશોરથી ચાલ્‍યુ હતું. પરંતુ આ બંને જગ્‍યાની નિમણુંક થઈ જતાં અલ્‍પેશ ઠાકોરનું જૂથ નારાજ થયાનું મનાય છે.

જોઈએ હવે ચર્ચાતી વિગતોને કેટલુ અનુમોદન મળે છે. ઘીના ઠામમાં ઘી પડે છે કે ઘીના કારણે આગ વધુ પ્રજવલિત થાય છે.

(12:07 pm IST)