Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ધારાસભ્યોના પ્રશ્નો અધિકારીઓ ન ઉકેલતા હોય તો સામાન્ય નાગરિકોનું શું થતું હશે?

મંત્રીઓને મળવા નાગરિકો સપ્તાહમાં એકાદ-બે દિવસ જ આવી શકે તેવી પ્રથા બદલો : લોકો ફરિયાદ લઇને આવે તો મંત્રીઓ વીડિયો કોન્ફરન્સ કરીને ઉકેલ લાવે તેવી પણ માગ

અમદાવાદ તા. ૨૯ : ભાજપના કેટલાક ધારાસભ્યો દ્વારા સરકારી અધિકારીઓ તેમનું સાંભળતા નહીં હોવાનું અને કામ નહીં કરતા હોવાની ફરિયાદ કરી છે અને સરકારના મોવડીઓએ તેને તુરંત ગંભીરતાથી લઇને ઉકેલવા તૈયારી દર્શાવી છે ત્યારે સચિવાલયમાં પોતાના પ્રશ્નો લઇને મંત્રીઓને મળવા આવતા સેંકડો લોકોને મંત્રીઓને મળવાનો સમય ઓછો પડતો હોવાથી વધુ સમય માટે મળે તેવી લાગણી ઉઠી રહી છે. આખા સપ્તાહમાં સામાન્ય નાગરિકો મંત્રીઓને મળી શકે તે માટે સોમવાર અને ધારાસભ્યો-સાંસદો સાથે આવીને મળી શકે તે માટે મંગળવારની વ્યવસ્થા ગોઠવાઇ છે. જો કે હજ્જારો લોકો દિવસના થોડા કલાક દરમિયાન મળી શકતા નથી. લોકો માટે ચૂંટાયેલા સરકારના પ્રતિનિધિઓ વધુ સમય માટે મળે તે માટે વર્ષો જૂની પધ્ધતિ બદલવાની માગ દર સપ્તાહે આવતા મુલાકાતીઓ કરી રહ્યા છે. તે સાથે ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય નાગરિકોનું કેટલું સાંભળતા હશે તે સવાલ પણ ઉઠવા પામ્યો છે.

અધિકારીઓ ધારાસભ્યોનું કામ કરી રહ્યા નથી તેવો સવાલ ઉઠતા તુરંત ભાજપ અને સરકારમાં દોડધામ મચી જવા પામી છે પરંતુ લોકોનું કામ અધિકારીઓ ના કરે તો સરકાર કેટલી ગંભીરતાથી તેને ગણે છે તે સવાલ સચિવાલયના એક વર્ગમાં ચર્ચાયો હતો. મંત્રીઓએ લોકોની રજૂઆતો સાંભળવા સત્તાવાર રીતે સોમવાર ફાળવેલો છે. તે પછી મંગળવારે પણ લોકો આવતા હોય છે પરંતુ તે દિવસે ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો પણ સાંભળવાની હોવાથી તેમની સાથે પણ સેંકડો લોકો આવતા હોય છે તેથી ભારે ધસારો થતો હોય છે. સોમવાર અને મંગળવારે અનેક વખત લોકોને સમય ઓછો પડતો હોવાનું, કેટલાક મંત્રીઓ કયારેક મીટીંગમાં કે અન્ય કામમાં વ્યસ્ત હોવાની કે ધારાસભ્યો-સાંસદોના કામને જ વધુ મહત્વ અપાતું હોવાની બૂમ ઉઠતી રહી છે. નાગરિકો માટે બીજો અને ચોથો શનિવાર કે અન્ય વધુ એક દિવસ ફાળવાય તો લોકોના વધુ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

બહારગામથી આવતા લોકોની એ પણ ફરિયાદ હોય છે કે ભાજપ સરકાર વહીવટના આધુનિકીકરણ અને ગતિશીલતામાં માને છે ત્યારે જે જિલ્લાની ફરિયાદ હોય તેના કલેકટર, ડીડીઓ કે એસપી સાથે તે સમયે જ વીડિયો કોન્ફરન્સ કરીને ફરિયાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેના બદલે અરજી લઇ લેવાય તે પછી રૂટીનમાં ઘટતું કરવા કાર્યવાહી જેવા જવાબ લખીને જે તે વિભાગમાં મોકલી દેવામાં આવતા પ્રશ્નનો નિકાલ આવશે કે કેમ તે જાણી શકાતું નથી. જો મુખ્યમંત્રી વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ કરીને પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય તો મંત્રીઓએ પણ આ પ્રથા અપનાવવી જોઇએ તેવી લાગણી મુલાકાતીઓ વ્યકત કરી રહ્યા છે.

તાજેતરમાં અનેક ઉચ્ચ સરકારી અધિકારીઓ લાંચના રૂપિયા લેતા પકડાઇ રહ્યા છે ત્યારે વહીવટી તંત્રમાં સામાન્ય લોકોને કામ કરાવવા કેટલા રૂપિયા આપવા પડતા હોય છે તે પણ બહાર આવ્યું છે. ત્યારે સરકાર ધારાસભ્યોના પ્રશ્નો ઉકેલવા સાથે નાગરિકોના પ્રશ્નોને પણ ધ્યાનમાં રાખે તેવી માગ ઉઠી રહી છે.

(10:09 am IST)
  • સાણંદ તાલુકા પંચાયત ભાજપે ગુમાવી : ૧૩ સભ્યોનો સાથ મેળવી કોંગ્રેસની જીતઃ ઉપપ્રમુખ પદે ભરતસિંહ ડોડીયાની થઇ વરણીઃ પ્રમુખ પદે રંજનબેન વાઘેલા ચુંટાયા access_time 4:07 pm IST

  • યુનાઈટેડ નેશન્સ (યુએન) માં અમેરિકી રાજદૂત નિકી હેલે ગુરુવારે પોતાનો ત્રણ દિવસીય ભારત પ્રવાસ પૂરો કરીને પાછા ફર્યા છે. પ્રવાસના અંતિમ દિવસે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. નિકીએ આ મુલાકાતમાં પીએમ મોદીને ઈરાન વિશે સંદેશ આપ્યો કે જે ટ્રમ્પ તરફથી આવ્યો હતો. અમેરિકાએ ભારતને સ્પષ્ટ કહ્યુ છે કે ઈરાન સાથે પોતાના સંબંધો પર તે ફરીથી વિચાર કરે. access_time 1:39 pm IST

  • લાલુને ઇલાજ માટે હાઇકોર્ટ તરફથી બીજી વખત મળી ૬ સપ્તાહની પ્રોવિઝનલ બેલઃ ૧૧ મી મેથી જામીન ઉપર છેઃ હવે ૧૭ ઓગસ્‍ટ સુધી રાહતઃ ૬ માંથી ૪ કેસમાં થઇ છે સજા access_time 3:44 pm IST