Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ટેકનીકલ કોલેજોની ૧૫ થી ૩૫ ટકા ફી વધારાની માંગણી

એફઆરસીના સભ્‍ય કમલેશ જોષીપુરાએ કહ્યું કે કમિટી તેની સામે કોલેજો દ્વારા રજૂ કરાયેલ તથ્‍યોના આધારે ફી વધારો નક્કી કરશે

અમદાવાદ તા. ૨૯ : ગુજરાત હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ અક્ષય મેહતાના વડપણ હેઠળની ટેકનીકલ કોર્સીસ માટેની ફી રેગ્‍યુલેટરી કમિટી (એફઆરસી), જે કોલેજોએ ફી વધારાની માંગણી કરેલ છે તેમનું ઇન્‍સ્‍પેકશન શરૂ કરશે. રાજ્‍યમાં એન્‍જીનિયરીંગ, ફાર્મસી, આર્કીટેકચર, એમબીએ - એમસીએ અને ડીપ્‍લોમાં કોર્સીસ સહિતની ૫૮૯ ટેકનીકલ શિક્ષણ આપતી કોલેજો છે.

સૂત્રોએ કહ્યું કે કેટલીક કોલેજોએ ૧૫ થી ૩૫ ટકા જેટલો ફી વધારો માંગ્‍યો છે. જો કે કમિટિ તેની તરફેણમાં નથી અને તે ૮ ટકાથી વધારેની પરવાનગી નહીં આપે.

એક ઉચ્‍ચ અધિકારીએ કહ્યું, ‘કુલ ૪૯૬ કોલેજોએ ૫ ટકાથી વધારે ફી વધારા માટે એફીડેવીટ આપી છે. કમિટી તેમની અરજીઓ ચકાસશે અને વધારો મંજૂર કરશે. લગભગ ૧૨૪ કોલેજોએ ૫ ટકા સુધીનો વધારો માંગ્‍યો છે. કોલેજોએ એફીડેવીટની સાથે તેમના ખાતાની ત્રણ વર્ષની વિગતો ખર્ચ, આવકનાસ્ત્રોત, ભાવી આયોજન વગેરેની સાથે આપેલ છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા નવા ફી માળખાની જાહેરાત કરવાની વિચારણા ચાલે છે.'

એક ખાનગી યુનિવર્સિટીના રજીસ્‍ટ્રારે કહ્યું કે, કેટલીક સંસ્‍થાઓએ છેલ્લા સાત વર્ષથી ફી નથી વધારી. તે ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરમાં સુધારો અથવા વધારો કરવા માંગે છે. છેલ્લા ૭ વર્ષમાં મોંઘવારી ઘણી ઝડપથી વધી છે.

ટેકનીકલ કોલેજીસ મેનેજમેન્‍ટ એસોસીએશનના પ્રમુખ જનક ખાંડવાલાએ કહ્યું કે, કોલેજોને ચાલુ રાખવા ૫ ટકાના ફી વધારાની જરૂર છે. તેમણે કહ્યું ‘કોરોનાના વર્ષો દરમિયાન ફી વધારો નહી કરવાના સરકારના નિર્દેશોનું અમે પાલન કર્યું છે. લગભગ ૭૦ ટકા કોલેજોએ ૫ ટકાથી વધારે ફી વધારો નથી માંગ્‍યો. ફી વધારા વગર કોલેજો ચલાવવી સહેલી નહીં બને.'

(2:12 pm IST)