Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

ચીકુના ખેડૂતોને સહાય નહિ મળે તો ઘરમાં ગરીબી આવશે

વાતાવરણની ચીકુ પર અસરઃચીકુને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ લાવવામાં આવે એવી માંગ નવસારીના ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી

નવસારી, તા.૨૯ :નવસારી જિલ્લાના મુખ્ય પાકમાં ચીકુનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં વર્ષે અંદાજે ૪૦ લાખ મણ ચીકુનું ઉત્પાદન થાય છે. પરંતુ બદલાતા વાતાવરણની અસરને કારણે મજૂરી કરતા ચીકુની પ્રતિ મણ આવક ઓછી થઈ છે. ત્યારે ચીકુને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ લાવવામાં આવે એવી માંગ નવસારીના ખેડૂતોએ કરી છે.

નવસારી બાગાયતી જિલ્લો છે. અહીં ચીકુ, કેરી, કેળા, પપૈયા, જમરૃખ જેવા ફળ પાકે છે. જેમાં ચીકુની વાડીઓ સૌથી વધુ છે અને વર્ષે દહાડે અંદાજે ૪૦ લાખ મણથી વધુ ચીકુ થાય છે. પરંતુ છેલ્લા ૮ વર્ષોમાં બદલાયેલા વાતાવરણને કારણે લાખો મણ ચીકુનું ઉત્પાદન લેતા ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે. ગત વર્ષોમાં વધુ ઠંડી અને કમોસમી માવઠાને કારણે ખેડૂતોને નુકસાન થતું હતું. જેમાં આ વર્ષે ફેબ્રુઆરીથી પડેલી અતિશય ગરમીએ ચીકુની સ્થિતિ બગાડી, જેને કારણે ખેડૂતો સાથે વેપારીઓને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગરમીએ પ્રતિ મણ ચીકુના ભાવ ૧૫૦ રૃપિયા કે તેથી નીચે ઉતારી નાંખ્યા છે. જ્યારે ચીકુ બેડવાની મજૂરી મોંઘી પડે છે. જેને કારણે ખેડૂતો ચીકુ પાડવાને બદલે ઝાડ પરથી ઉતારવાનું પણ ટાળી રહ્યા છે. ગરમીને કારણે ચીકુ ઝાડ પર પાકી જતા નીચે પડી રહ્યા છે.

જેથી વર્ષે લાખો મણ ચીકુ પાકતા હોય, ત્યારે મહારાષ્ટ્ર, કેરળ જેવા રાજ્યોની જેમ નવસારીના ચીકુ પકવતા ખેડૂતોને પણ લઘુત્તમ ટેકાના ભાવ  મળે, એવી લાગણી નવસારીના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.વાતાવરણીય બદલાવ સામે ઝઝૂમી રહેલા નવસારી જિલ્લાના બાગાયતી ખેડૂતો ચીકુ અને કેરીના બંને પાકોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સમાવવામાં આવે એવી માંગણી કરી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારે બે વર્ષ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય બાગાયતી પાક એવા સંતરા, દાડમ, ચીકુ, જમરૃખ અને દ્રાક્ષને વાતાવરણીય બદલાવને કારણે થતા નુકશાનથી બચાવવા વીમા કવચ આપ્યુ છે. ત્યારે ગુજરાત સરકાર પણ દક્ષિણ ગુજરાતના મુખ્ય બાગાયતી પાક લેતા ખેડૂતોને વાતાવરણથી થતા નુકશાન સામે રક્ષણ મળી રહે, એ માટે વીમા યોજનામાં સમાવેશ કરે એવી માંગણી કરી રહ્યા છે.

૧૦ વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગે ઋતુચક્ર પર મોટી અસર કરી છે. જેની મોટી અસર બાગાયતી ખેતી પર પણ થઈ છે. ત્યારે ખેતીમાં થતા નુકસાન સામે ખેડૂતો ટકી શકે, એવી સહાય યોજના અથવા વીમા યોજના બને એ જરૃરી છે. ત્યારે સરકાર વીમા અંતર્ગત ચીકુ, કેરી જેવા બાગાયતી પાકોનો સમાવેશ કરે એજ સમયની માંગ છે

 

(9:39 pm IST)