Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

આણંદમાં આશાવર્કરોએ વિરોધ પ્રદર્શન કર્યું :વેતન વધારા સહિતની માંગોને લઈને સૂત્રોચ્ચાર કરાયા

આશા વર્કરો દ્વારા આગામી રણનીતિ માટે બેઠક યોજી: આશા વર્કર લીડર ચંદ્રિકા સોલંકીનાં નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન કરાયું

આણંદ : શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે આશા વર્કરો અને આશા ફેસીલીટેટર બહેનોએ વેતન વધારા સહીતની માંગણીઓને લઈને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યના આશા વર્કર અને ફેસીલીટેટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે. કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે આશા વર્કરને માત્ર દૈનિક રૂ ૩૩ અને ફેસીલીએટરને દૈનિક રૂ ૧૭ ચુકવવામાં આવે છે, ત્યારે એરીયર્સ સહીત દૈનિક 300 રૂપિયાની ચુકવવાની માંગ કરવામાં આવી રહી છે. 

  ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષી પટેલ સાથેની બેઠકમાં વેતન વધારો સહીતની માંગણીઓ પૂર્ણ કરવાની હૈયાધારણ આપવા છતાં લધુત્તમ વેતન અને ફિકસ વેતન વધારો કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા આજે આણંદ શહેરમાં શાસ્ત્રી સ્ટેડીયમ ખાતે આશા વર્કર મહિલાઓની બેઠક યોજાઈ હતી.જેમાં સરકાર સામે લડી લેવાના મુડમાં આશાવર્કર બહેનો જોવા મળી હતી

લધુત્તમ વેતન અને ફીકસ વેતનની માંગ સાથે મહિલા શકિત સેનાનાં અધ્યક્ષ ચંદ્રિકાબેન સોલંકીનાં નેતૃત્વમાં આશાવર્કરોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો રાજય સરકાર દ્વારા સત્વરે તેઓની માંગણીઓ પૂર્ણ કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન માટેની રણનિતી અંગે બેઠક યોજી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

(7:19 pm IST)