Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

હાઇકોર્ટના આદેશ બાદ વાંચ ગામ ખાતે ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા બુલડોઝર ફર્યું

જમીન ખાલી કરાવતા ગામના મહિલા સરપંચ અને તેના પરિવારને ધમકી મળી:જમીન ખાલી કરાવતા 80 થી વધુ પરિવાર બેઘર બન્યા

અમદાવાદ :હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ શહેરના છેવાડે આવેલ વાંચ ગામ ખાતે ગૌચર જમીન ખાલી કરાવાઈ રહી છે. ત્યાં જમીન ખાલી કરાવતા ગામના મહિલા સરપંચ અને તેના પરિવારને ધમકી મળી છે. જમીન ખાલી કરાવતા 80 થી વધુ પરિવાર બેઘર બન્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 4 વર્ષ જૂના એક કેસમાં હાઈકોર્ટનાં હુકમથી કલેકટરની સૂચના અનુસાર વાંચ અને બડોદરા સિમ પર આવેલ સર્વે નંબર 165 ની જગ્યા પર રહેલ દબાણો દૂર કરી ગૌચર જમીન ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. જેમાં સરપંચ અને તલાટીને હાજર રહેવા માટે જાણ કરાઈ હતી, જેથી સરપંચ સ્થળ પર હાજર રહી દબાણો દૂર કરાયા અને હુકમનો અમલ કરાયો. જોકે આ જ કામગીરી દરમિયાન મહિલા સરપંચ ઉષા પટેલે આક્ષેપ કર્યો છે કે જિલ્લા સદસ્ય કાંતિ ઠાકોરે જે સ્થળ પર દબાણ દૂર થયા ત્યાંના લોકોને સરપંચે દબાણ દૂર કર્યા હોવાનું કહી ઉશ્કેરયા. જેના કારણે કેટલાક લોકોએ મહિલા સરપંચ અને તેના પરિવારને જાનથી મારી નાખવા ધમકી આપી.

સરપંચ ઉષાબેન પટેલે જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ અનુસરે 165 સર્વે નંબર પર દબાણ દૂર કરવા જણાવેલ. 24 તારીખે કામ શરૂ કર્યું. પણ જિલ્લા પંચાયતના ડેલીગેટ સભ્ય કાંતિ ઠાકોર રુકાવટ કરેલ. અને શાંત કામ હોવા છતાં લોકોને ઉશ્કેરેલ છે. ત્રણ દિવસમાં 60 દબાણ દૂર કરેલ. અને ગામના લોકોનો લાવી ધમકી આપે છે. રાકેશ કાંતિ ઠાકોર અને અરવિંદ અને અન્ય દબાણ વિસ્તારના રહેવાસી ખોટા આક્ષેપ કરે છે કે સરપંચ દબાણ દૂર કરે છે. શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે.

તો બીજી તરફ જે જમીન પરથી દબાણો દૂર કરાયા ત્યાં રહેતા જયેશભાઇના આક્ષેપ હતા કે દબાણ દૂર કરતા પહેલા તેમને હાઇકોર્ટનો અસલી ઓર્ડર કે મેપ બતાવ્યા વગર અને પ્રજાને અંધારામાં રાખીને અન્ય જગ્યાનું દબાણ અહીં દૂર કરી દીધું. જેના કારણે 80 થી વધુ ઘરના લોકો બેઘર બની ગયા. અને તેને લઈને તેઓને ગરમી વચ્ચે રઝડવાનો વારો આવ્યો છે. જેને લઈને તેઓએ તપાસ માટે અને ન્યાય માટે માંગ કરી છે.

સ્થાનિક જયેશભાઇ એ જણાવ્યુ કે અમારા ગામ માં આ 85 મકાન તોડી પાડવામાં આવ્યા. અહીં હરિજન કો સોસાયટીનો પ્લોટ ફાળવાયો હતો. પણ અહીં અભણ પ્રજાને અંધારામાં રાખી હાઇકોર્ટનો અસલી ચુકાદો બતાવ્યા વગર અને નકશો બતાવ્યા વગર સાચી જગ્યા તોડવાના બદલે બીજા મકાન તોડી પાડયા. તપાસ માટે માંગ છે. ન્યાય માટે મદદ કરો.

મળતી માહિતી પ્રમાણે અગાઉના સરપંચ વખતે સમગ્ર મામલે પ્રક્રિયા થઈ હતી. જે બાદ નવા સરપંચના આવ્યા ના 4 મહિને હાઇકોર્ટ દ્વારા આદેશ કરાયા અને આ પ્રક્રિયા કરાઈ. જેના કારણે સ્થાનિકોને એવું છે કે નવા સરપંચે તેમન મકાન તોડાવી બેઘર કરી નાખ્યા. ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે હવે વિવેકાનંદનગર પોલીસ શુ કાર્યવાહી કરી છે અને ધમકી આપનાર સામે કાર્યવાહી થાય છે કે કેમ. તેમજ બેઘર લોકો માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરાય છે કે પછી તેઓને રઝડવાનો વારો આવે છે.

(7:04 pm IST)