Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

પોલીસ જવાનો, તમે ગુજરાતનું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન ગુજરાત સરકાર રાખશે:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રાજકોટ પોલીસ વિભાગના વિકાસકામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું

રાજકોટ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા ખેડા ખાતેથી રૂા.૩૪૮ કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસો સહિતના વિવિધ પ્રકલ્પોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ પોલીસ માટે નવનિર્મિત બિન રહેણાંક અને રહેણાંક આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં રૂપિયા 3 કરોડના ખર્ચે બનેલું ડી.સી.પી.પોલીસ સ્ટેશન, રૂ. ૪ કરોડના ખર્ચે બનેલું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સપેક્ટર માટે બનેલા ૮૦ ક્વાર્ટર્સ, ASI, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલા 2 BHKના ૮૦ ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગુહમંત્રી અમિતભાઈ શાહે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને કાર્યક્રમની શરૂઆત કરતાં જણાવ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મોડલને અનુસરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગુજરાત રાજ્યનું સફળતાપૂર્વક નેતૃત્વ કરી રહ્યા છે. પોલીસ વિભાગના આધુનિકીકરણ અને વિકાસ માટે સમગ્ર ગુજરાતના ૨૫ જિલ્લાઓમાં ૩૪૮ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના કારણે પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. છેલ્લા ૨૦  વર્ષમાં રૂપિયા ૩,૮૪૦ કરોડના ખર્ચે ૩૧,૧૪૬ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર કાયદા વ્યવસ્થાને મજબૂત કરવા લડત આપી સઘન કામગીરી કરી રહ્યું છે. પોલીસ જવાનને એટલું જરૂર કહીશ કે તમે ગુજરાતનું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખવા માટે ગુજરાત સરકાર બેઠી છે.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પોલીસ જવાનોને શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, દરેક ક્ષેત્રના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહ્યા છે. એક પણ દેશવાસી વિકાસના લાભથી વંચિત ન રહે તે માટે વિવિધ આયોજનો થકી છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડાઈ રહી છે.આજે પોલીસ વિભાગ આધુનિકતા સાથે ગુના અને ગુનેગારોને શોધીને જનતાની મિત્ર બનીને ઝડપી ન્યાય આપે તે માટે ગૃહ વિભાગને ટેકનોલોજી અને આધુનિક સાધનોથી સજ્જ કર્યું છે. લિફ્ટ, ગાર્ડન જેવી સુવિધાયુક્ત આવાસોને કારણે પોલીસ જવાન હાશકારો અનુભવશે. અને તેઓની કાર્યક્ષમતામાં પણ અનેકગણો  વધારો થશે.
રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહાનુભવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાત પોલીસ વિભાગને આધુનિક કરવા માટે સાતત્યપૂર્વક પ્રયાસો થઈ રહ્યા છે. ટેકનોલોજીના ઉપયોગથી પોલીસ જવાનો ગંભીર ગુનાઓ ઝડપથી ઉકેલી શકે તે માટે પ્રોજેકટ વિશ્વાસ, સી.સી.ટી.વી., નેત્રમ, ઈ-ગુજકોપ અને બોડી વોર્મર કેમેરા સહિતની સુવિધાઓ પોલીસ જવાનોને પુરી પાડવામાં આવી છે.
રાજકોટના નવનિર્મિત વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો પોલીસ વિભાગની કાર્યશૈલીમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી ભાર્ગવે ઉમેર્યું હતું કે, ઓનલાઈન થતા ગુનાઓને અટકાવવા માટે ૪ કરોડથી વધુના ખર્ચે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થતા ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ થકી ગુનાઓનું ઝડપથી એનાલિસિસ થઈ શકશે. તેમજ કોરોના કાળમાં નમન પ્રોજેકટ હેઠળ ૪૦૦૦ હજારથી વધુ વૃદ્ધ નાગરિકોની સેવા કરવામાં આવી છે.
આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને મેયર ડો. પ્રદીપભાઈ ડવે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે કાર્યરત પોલીસ જવાનોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. જયારે પોલીસ વિભાગ દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્નન આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ કમલેશ મીરાણી, કલેકટર અરૂણ મહેશ બાબુ,  મ્યુનિસીપલ કમિશ્નર અમીત અરોરા, સંયુક્ત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(4:33 pm IST)