Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ડોન છોટા રાજન ગેંગના બે સાગરિત એટીએસે ઝડપ્યા

રાજેશ ખન્ના અને કાલુ હમામ મુંબઈથી ઝબ્બે : વલસાડની એક કંપનીમાં સાત કરોડની લૂંટ ચલાવી હતી

અમદાવાદ, તા. ૨૯ : ગુજરાત એટીએસએ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગના બે સાગરિત રાજેશ ખન્ના અને કાલુ હમામને ઝડપી રૂ. ૭ કરોડની લૂંટનો ભેદ ઉકેલ્યો છે. વલસાડની IIFL કંપનીની લૂંટના આ કેસમાં આરોપીઓ પાસેથી રૂ. ૭૦ લાખની રોકડ જમા લેવામાં આવી છે. ગુજરાત એટીએસએ રાજન ગેંગના ગઢમાં ગાબડું પાડી બે દિવસ અગાઉ હરેશ ગોસ્વામી અને બાદમાં વધુ બે સાગરિતોને ઝડપી લીધાં છે. વલસાડના ચાણોદ વાપી સેલવાસ રોડ પર આવેલી IIFL (ઇન્ડિયા ઇન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડ) કંપનીમાં જાન્યુઆરી, ૨૦૨૦માં કંપનીના કર્મચારીઓને રિવોલ્વર, નાળિયેર કાપવાના છરાથી બંધક બનાવીને, ડરાવી ધમકાવીને સ્ટ્રોંગરૂમનો દરવાજો ખોલાવીને રોકડ અને દાગીના મળી રૂ. ૭ કરોડની લૂંટ ચલાવી હતી. એટીએસને આ ગુનામાં સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્નાને કર્ણાટક અને સરમત બેગ ઉર્ફે કાલુ હમામને નાલાસોપારા મુંબઈથી ઝડપ્યો હતો.

            આરોપીની તપાસમાં લૂંટનો ભેદ ખૂલ્યો અને બંને પાસેથી રૂ. ૭૦ લાખની રોકડ કબ્જે લીધી હતી. રાજેશ ખન્ના પર હત્યા, લૂંટ, મારમારીના સાતથી વધુ ગુના છે. ડોન છોટા રાજનનાં કહેવાથી દાઉદ ગેંગના ક્યુમ કુરેશી અને ઇકબાલ ફટુરાની હત્યા રાજેશ ખન્નાએ કરી હતી. કાલુ હમામ વિરુદ્ધ લૂંટ, મારામારી, એમએલએની હત્યા, ગેરકાયદેસર જમીન હડપવાના ૧૨ જેટલા ગુનાઓ દાખલ થયા છે. કાલુ હમામે દાઉદ ગેંગના ઇશારે ૧૯૯૩માં ખેતવાદીના એમએલએ પ્રમકુમાર શર્માની હત્યા કરી હોવાનો ગુનો તેની પર નોંધાયેલો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસએ આ અગાઉ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ગેંગનો વોન્ટેડ શૂટર હરેશ ગોસ્વામીની પણ ધરપકડ કરી હતી. તે અમદાવાદના વસ્ત્રાલમાં છુપાયેલા હોવાની બાતમી મળતાં ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી વસ્ત્રાલમાં બહેનનાં ઘરે તે આવ્યો હતો પણ લોકડાઉન જાહેર થતાં ફસાયો હતો. રાજન ગેંગના રાજેશ ખન્ના અને હરેશ લૂંટ અને ધાડનાં અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. લૂંટના સુરત, ભિલાડ, સેલવાસ અને મંુંબઈના અનેક ગુનાઓમાં હરેશ વોન્ટેડ હતો.

(10:16 pm IST)