Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સાબરમતી જેલમાંથી ત્રણ આરોપીએ સેલ્ફી વાયરલ કરી

જેલમાં કેદીઓ દ્વારા મોબાઈલનો બેરોકટોક ઉપયોગ : જેલ સત્તાવાળાએ ૨૬ મેના રોજ એક કેદીએ સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપરથી સેલ્ફી અપલોડ કરી દીધી

અમદાવાદ, તા. ૨૯ : કોરોના વાયરસની મહામારી વચ્ચે અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી એક સેલ્ફી વાયરલ થઈ છે. જે બાદમાં જેલ તંત્રએ પણ હરકતમાં આવી કાર્યવાહી શરૂ કરી છે. જેલમાંથી લેવામાં આવેલી આ સેલ્ફીમાં દેખાતા ત્રણ આરોપીમાંથી એક આરોપીએ ૨૬મી મેના રોજ આ સેલ્ફી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી હતી. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, જેલમાંથી જામીન પર બહાર આવેલ આકાશ નામના એક યુવકે આ ફોટો મૂક્યા હોવાની વાત સામે આવી છે. સેલ્ફીમાં ત્રણ આરોપી નજરે પડી રહ્યા છે. આ ત્રણમાંથી એક આરોપી હાલ પણ જેલમાં છે અને બે જામીન પર જેલ બહાર છે. આ સેલ્ફી લઈને હવે જેલ તંત્ર પણ કાર્યવાહી શરૂ કરી છે.આકાશ પરિહાર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાની વાત સામે આવી રહી છે. આ મામલે જ્યારે જેલના અધિકારી ડી.વી. રાણા સાથે વાત કરી તો તેમને જણાવ્યું છે કે, ફોટો સેન્ટ્રલ જેલનો છે, પરંતુ તે નવેમ્બર મહિનાનો છે.

          આરોપીએ જેલમાંથી આ ફોટો પોતાના સાગાને મોકલી આપ્યો હતો. આકાશ જેલમાંથી જામીન પર બહાર આવ્યો ત્યાર બાદ તેને આ ફોટો મૂક્યો હોઈ શકે છે.હાલ આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે તેમજ પોલીસે આ મામલે કાર્યવાહી પણ શરૂ કરી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે જેલમાં આ આરોપીઓ પાસે મોબાઈલ કંઈ રીતે પહોંચી જાય છે? બીજું મોબાઇલથી સેલ્ફી લેવામાં આવી છે તેનો મતલબ એવો થાય કે આ ફોન બેઝિક ફોન નહીં પરંતુ આધુનિક ફિચર ધરાવતો ફોન હોવો જોઈએ. આ મામલે અનેક શંકા જન્મી રહી છે.

(10:12 pm IST)