Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

મુખ્યમંત્રી રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગયા વર્ષ કરતા સાડા ત્રણ ગણું વધારે FDI ગુજરાતે મેળવ્યું

દેશના એવરેજ FDI ગ્રોથથી ર૦ ગણું FDI ગુજરાતમાં: ભારતના બીજા ક્રમના રાજ્ય કર્ણાટક કરતા ૮ ગણું વધુ FDI ગુજરાતે મેળવ્યું:૨૦૧૯-૨૦ના વર્ષમાં – રૂ. ૪ર૯૭૬ કરોડ FDI

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૪ર૯૭૬ કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDI મેળવ્યું છે.  

              આ વિદેશી મૂડીરોકાણ રાજ્યમાં ૨૦૧૮-૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન આવેલા રૂ. ૧૨૬૧૮ કરોડના મૂડીરોકાણ કરતાં સાડા ત્રણ ગણાથી વધુ છે. ભારત સરકારના ડીપાટર્મેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ દ્વારા દેશના રાજ્યોએ મેળવેલા ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ અંગેના જાહેર થયેલા આંકડાઓમાં આ વિગત પ્રસિદ્ધ થઇ છે.
            ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શી અને સ્વચ્છ પ્રશાસન સાથે રાજ્યમાં ઊદ્યોગોને વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો જે વ્યાપ વિસ્તાર્યો છે તેની ફલશ્રુતિએ આ એફ.ડી.આઇ.માં વધારો થયો છે.
           પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ‘મેઇક ઇન ઇન્ડીયા’ની સંકલ્પના તથા રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહ્યું છે અને એપ્રિલ- ૨૦૧૯થી માર્ચ-ર૦ર૦ના ૨૦૧૯-૨૦ના સમગ્ર સમયગાળા દરમિયાન ગુજરાતે દેશના રાજ્યોમાં સૌથી વધુ એટલે કે રૂ. ૪ર૯૭૬ કરોડના રોકાણો મેળવીને ગુજરાતની ગૌરવ ગાથામાં એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
           DPIIT એ જાહેર કરેલી FDIની આંકડાકીય વિગતો જોઇએ તો, સમગ્ર દેશમાં ર૦૧૯-ર૦ના સમયમાં FDI ૧૪ ટકા વધ્યું છે. દેશના એવરેજ FDI ગ્રોથ કરતા ગુજરાતનો આ ક્ષેત્રોનો ગ્રોથ ર૦ ગણો વધુ છે. એટલું જ નહિ, FDIમાં દેશમાં બીજા ક્રમે રહેલા કર્ણાટકના ૩૪ ટકા FDI કરતા ગુજરાતમાં ૮ ગણું વધુ FDI છે. અન્ય રાજ્યોમાં કર્ણાટક-૩૪, દિલ્હી-૧૧ ટકા FDI મેળવી શકયા છે. જ્યારે કે મહારાષ્ટ્રમાં એફ.ડી.આઇ. ઘટીને ૩ ટકા માઇનસ (નેગેટીવ) અને તામિલનાડુમાં ૮ ટકા માઇનસ (નેગેટીવ) FDI આવ્યું છે.
           ગુજરાતે ઔદ્યોગિક રોકાણો માટેના ઇરાદાપત્રો ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ IEM અન્વયે દેશમાં મોટા ક્ષેત્રોના રોકાણોમાં સમગ્ર દેશમાં કુલ IEMના પ૧ ટકા IEM મેળવીને ગૌરવસિદ્ધિ હાંસલ કરી છે. એટલું જ નહિ, સ્થાનિક-ડોમેસ્ટીક ઊદ્યોગોના રોકાણો પણ વિશાળ પાયે ગુજરાતમાં છે અને એ ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં નોંધપાત્ર સ્થાન ધરાવતું રાજ્ય બન્યું છે. મેન્યુફેકચરીંગ હબ – ઓટો હબ બનેલું ગુજરાત દેશના અન્ય ઊદ્યોગકારો માટે પણ બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ છે
           ઊદ્યોગ અગ્ર સચિવએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં ગુજરાતે રાજ્યમાં સ્થપાનારા ઊદ્યોગોને વધુ સુવિધા-સરળતા પૂરી પાડવાની વધારાના પગલાં-ઉપાયોની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે.
તદઅનુસાર લેબર, પાવર, લેન્ડ એપ્રૂવલ જેવા ક્ષેત્રોમાં ઘણા સુધારા-રિફોર્મ્સ રાજ્ય સરકારે કર્યા છે.
          મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાને પરિણામે સર્જાયેલી સ્થિતી પછી જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય, આર્થિક અને ઔદ્યોગિક ગતિવિધિઓ પૂન: ધબકતી થાય ત્યારે ગુજરાત તેનું મહત્વનું કેન્દ્રબિંદુ બને તે દિશામાં આયોજનબદ્ધ રીતે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઊદ્યોગો, રોકાણો મોટાપાયે આવે, રોજગારી વધે સાથોસાથ આનુષાંગિક ઊદ્યોગોને પણ વેગ મળે અને સ્થાનિક રોજગારીની તકો પણ મહત્તમ  વધે તે માટે રાજ્યમાં ૩૩ હજાર હેકટર જમીન વિવિધ ઔદ્યોગિક વસાહતો ખોરજ, સાણંદ, દહેજ SEZ, સાયખા, ધોલેરા SEZ તેમજ અન્ય પ્રાયવેટ SEZમાં ઉપલબ્ધ કરાવવા સાથે પ્લગ એન્ડ પ્રોડયુસ સુવિધા GIS બેઝડ લેન્ડ બેન્કના માધ્યમથી સરળતાએ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
         રાજ્યમાં આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓના કી સેકટર્સ એવાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, હેવી ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ તથા સર્વિસ સેકટરમાં વધુ રોકાણો પ્રેરિત કરવા એક હાઇપાવર કમિટિની રચના કરવામાં આવેલી છે. મુખ્યમંત્રીએ જે નવા ઊદ્યોગો રાજ્યમાં આવે તેમને મંજૂરીની બધી જ પ્રક્રિયા ઓનલાઇન કરીને માત્ર ૭ દિવસમાં જમીન ફાળવણી અને અન્ય જરૂરી પરવાનગીઓ ૧પ દિવસમાં આપી દેવાની પણ વ્યવસ્થાઓ ગોઠવવા તંત્રને પ્રેરિત કર્યુ છે               

          રાજ્યમાં નવા આવનારા કોઇપણ પ્રોજેકટ-ઊદ્યોગોને પ્રોડકશન શરૂ કરે તેના ૧ર૦૦ દિવસ સુધી લઘુત્તમ વેતન દર-મિનીમમ વેજીસ એકટ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી રૂલ્સ તેમજ શ્રમિક અકસ્માત વળતર-કોમ્પેનસેશન એકટની જોગવાઇઓના અમલ સિવાય અન્ય એકટ્સના પ્રાવધાનથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
આ બધી જ વ્યવસ્થાઓ વિકસવાને પરિણામે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાત વૈશ્વિક મહામારી કોરોના પછીની વિશ્વના અર્થતંત્ર-ઊદ્યોગોની પડકારજનક સ્થિતીનો મહત્તમ લાભ લેવા સજ્જ બન્યું છે.
       એમ. કે. દાસે એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં તા.૧ એપ્રિલથી તા.૩૦ સપ્ટેમ્બર-ર૦૧૯ સુધીમાં ર૬ર વિદેશી કંપનીઓએ પોતાના ઓપરેશન્સ-કારોબાર શરૂ કર્યા છે. આ ઉપરાંત ઘણી વિદેશી કંપનીઓ ગુજરાતમાં રોકાણો માટે ઉત્સુક છે.હવે, FDI ક્ષેત્રે પણ તેની અગ્રેસરતાને કારણે અન્ય દેશોના રોકાણો પણ ગુજરાતમાં ઊદ્યોગ સ્થાપવા, ઉત્પાદન એકમો શરૂ કરવા આવશે અને ગુજરાત ફરી એકવાર ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બનશે.

(9:13 pm IST)