Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પર પ્રાંતીય શ્રમિકો કામદારોને તેના વતન રાજ્ય પહોંચાડવા મુખ્યમંત્રી રૂપાણીનો માનવીય અભિગમ : 25 કરોડ રૂપિયા રેલવેને ચૂકવવા આદેશ

ગુજરાતમાંથી ૯૭૧ સ્પેશિયલ ટ્રેન મારફતે ૧૪ લાખ ૧૩ હજાર પરપ્રાંતિય શ્રમિકો વતન જવા રવાના થયા; સમગ્ર દેશમાં ગુજરાતમાંથી સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવાઈ : મુખ્યમંત્રીના સચિવે આપી વિગતો

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા દેશભરમાં સૌથી વધુ ૯૭૧ વિશેષ ટ્રેન દ્વારા આશરે ૧૪.૧૩ લાખ જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં સફળતાપૂર્વક મોકલવામાં આવ્યા છે. આમ સમગ્ર દેશમાં સૌથી વધુ ટ્રેનો  મારફત  સૌથી વધુ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતને પહોંચાડવામાં ગુજરાત અગ્રેસર રહ્યુ છે.

  મુખ્ય મંત્રીએ પ્રવર્તમાન કોરોના વાયરસ અને લોક ડાઉન ની સ્થિતિમાં ગુજરાતમાં રોજી રોટી માટે વસેલા અન્ય રાજ્યોના  શ્રમિકોને  ખાસ શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દ્વારા તેમના વતન પહોંચાડવા માટે  માનવીય અભિગમ દર્શાવી 25 કરોડ રૂપિયા મુખ્ય મંત્રી રાહત નિધીમાંથી  ના રેલવે મંત્રાલય ને  ચૂકવવા ના આદેશો કર્યા છે.
  મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે વધુ વિગતો આપતા જણાવ્યું કે સમગ્ર દેશમાંથી પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવા માટે તા. ૨૮ મી મે ની મધરાત સુધીમાં કુલ ૩,૭૨૪ જેટલી ટ્રેન  ચલાવવામાં આવી છે આ ટ્રેનો મારફ્ત સમગ્ર દેશમાંથી ૫૧,૬૫,૧૩૯ શ્રમિકો પોતાના વતને પહોંચ્યા છે. આ ૩,૭૨૪ ટ્રેનો પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ ૯૭૧ જેટલી ટ્રેનો દોડાવી ૧૪.૧૩લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને પોતાના વતન રાજ્યમાં કોઇપણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે.
  સચિવએ ઉમેર્યું કે પરપ્રાંતિય શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્ય પહોંચાડવા માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાંથી ૩,૭૨૪ ટ્રેન ચલાવવામાં આવી છે. આ ૩,૭૨૪ ટ્રેનો પૈકી આંધ્રપ્રદેશમાંથી ૭૦, આસામમાંથી ૦૧, બિહારમાંથી ૨૧૨, ચંદીગઢમાંથી ૧૧, દિલ્હીમાંથી ૨૨૩, ગોવામાંથી ૩૯, હરિયાણામાંથી ૯૨, જમ્મુ-કાશમીરમાંથી ૧૯, ઝારખંડમાંથી ૦૨, કર્ણાટકમાંથી ૧૮૫, કેરલમાંથી ૫૮, મધ્યપ્રદેશમાંથી ૦૮, મહારાષ્ટ્રમાંથી ૭૪૯, નાગાલેન્ડમાંથી ૦૧, ઓરિસ્સામાંથી ૦૩, પોંડિચેરીમાંથી ૦૨, પંજાબમાંથી ૩૮૯, રાજસ્થાનમાંથી ૧૧૫, તમિલનાડુમાંથી ૧૮૮, તેલંગાણામાંથી ૧૩૧, ત્રિપુરામાંથી ૦૮, ઉત્તરપ્રદેશમાંથી ૨૧૦, ઉત્તરાખંડમાંથી ૧૩, પશ્ચિમ બંગાળમાંથી ૦૨ ટ્રેન અને સૌથી વધુ ગુજરાતમાંથી ૯૭૧ ટ્રેન ચલાવવામાં આવી છે.
  સચિવએ વધુમાં ઉમેર્યું કે તા. ૨૮મી મે મધરાત સુધીમાં ગુજરાતમાંથી અન્યો રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવા જે  ૯૭૧ ટ્રેનો ચલાવવામાં આવી છે તેમાં  ઉત્તરપ્રદેશ માટે ૫૫૭, બિહાર માટે ૨૩૦, ઓરિસ્સા માટે ૮૩, ઝારખંડ માટે ૩૭, મધ્યપ્રદેશ માટે ૨૪, છત્તીસગઢ માટે ૧૭  મુખ્યત્વે છે. વિવિધ જિલ્લાઓમાંથી  આવી  શ્રમિક સ્પેશ્યલ ટ્રેન ચલાવી આશરે ૧૪.૧૩ લાખ જેટલા શ્રમિક ભાઈઓ-બહેનોને તેમના વતન રાજ્યમાં પહોંચાડવામાં  આવ્યા છે.
   મુખ્યમંત્રીના સચિવએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્ય જાય છે. એટલું જ નહિ, જિલ્લા વહિવટીતંત્ર આવા શ્રમિકોને રેલ્વે સ્ટેશન સુધી પહોચાડવાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.

(8:55 pm IST)