Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલ કેમ્પસમાં કોવિડ હોસ્‍પિટલમાં ૬ મહિનાની પુત્રીને સાસુ પાસે મુકીને ફરજ બજાવે છે ડો. ક્રતિ સિંઘલ

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ડૉ. ક્રતિ સિંઘલ એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. ડૉ. ક્રતિ નવેમ્બર મહિનામાં એક બાળકીના માતા બન્યા છે. બાળકીના જન્મ થયાના એક મહિનામાં જ તેઓ પુનઃ ફજ પર હાજર થયા હતા. ડૉ. ક્રતિ હાલ કોવિડ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓએ પોતાની વ્હાલસોયી દીકરીનું મોઢું પણ જોયું નથી. તેઓની માર્ચ મહિનામાં ટર્મ પૂર્ણ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે પરીક્ષા યોજાઈ શકી નથી.

ડૉ. ક્રતિ જણાવે છે કે હું અત્યારે સમાજ અને રાષ્ટ્રની સેવા કરી રહી છું જેનો મને ખૂબ આનંદ છે. પરંતુ હું માતા તરીકે મારી ફરજ નિભાવવા માટે અસક્ષમ છું. મારી સાસુની ઉંમર પણ વધુ છે, જે મારી દીકરીની સાર-સંભાળ રાખી રહ્યાં છે.

ડૉ. ક્રતિ વધુમાં જણાવે છે કે, ‘મારી દીકરીની અને પરિવારની ખૂબ જ યાદ આવે છે. પરંતુ દર્દીઓની સારવાર બહુ જરૂરી છે. દર્દી નાજુક હાલતમાં હોય છે એટલે તેમનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે દર્દીઓના સગાને કોરોના વોર્ડમાં ચેપ ન લાગી જાય તે માટે પ્રવેશ આપવામાં આવતો નથી.

પોતાના પતિ અને દીકરીનું મોઢું વીડિયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે-સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યા છે. કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ ડૉ. ક્રતિ સિંઘલએ પૂરું પાડ્યું છે તેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર છે.

ડો. ક્રતિએ ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં અમને ખૂબ જ સારી રીતે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મારા પરિવાર સાથે મને રહેવા નથી મળતું તે વાતનો અફસોસ છે. પરંતુ હોસ્પિટલ એ મારો બીજો પરિવાર છે. કામના સમય પછી અમે બધા આનંદથી રહીએ છીએ. ડૉ. ક્રતિને એ વાતનું ગૌરવ પણ છે કે, એમની દીકરીને જ્યારે સમજ આવશે ત્યારે  ચોક્કસ કહેશે કે મારી મમ્મી પણ કોરોના વોરિયર છે.

(5:01 pm IST)