Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

હાય...હાય... અમદાવાદ સિવિલમાં દર્દીઓના મોત બાદ આવી રહ્યા છે રીપોર્ટઃ બેદરકારી

દર્દીઓ પોતાના રીપોર્ટની રાહ જોતા જોતા મોતને ભેટી રહ્યાં છે : રીપોર્ટ ના હોવાથી દર્દીને પ્રાઈવેટમાં ના લઈ જઈ શકાયા :મોતના બે દિવસ પછી આવ્યો રિપોર્ટ : મોતના સાડા ત્રણ કલાક બાદ સેમ્પલ લેવાયું! દર્દીનું મોત, પરિવારજનોનું હજુય નથી થયું ટેસ્ટિંગ

અમદાવાદ, તા.૨૯: ગુજરાતમાં કોરોનાથી ૯૬૦ દર્દીઓના મોત થયા બાદ પણ ટેસ્ટિંગમાં કલ્પના ના કરી શકાય તે હદે મોડું કરાઈ રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તો એવી સ્થિતિ છે કે દર્દીઓ પોતાના રિપોર્ટની રાહ જોતા-જોતા જ મોતને ભેટી રહ્યા છે. અહીં દાખલ કરાયેલા દર્દીઓ ના માત્ર ડરેલા છે, પરંતુ તેઓ હવે આશા પણ ગુમાવી ચૂકયા છે. આટલી ભયાનક સ્થિતિ વચ્ચે પણ સરકાર ગંભીર હાલતમાં રહેલા દર્દીઓના ટેસ્ટ કરવામાં કોઈ ઉતાવળ નથી દર્શાવી રહી.

મંજુલાબેન વચેટા (ઉં. ૪૫ વર્ષ)નું ૨૪મી મેના રોજ સિવિલ કેમ્પસમાં આવેલી GCRIમાં મોત થયું હતું. જોકે, તેમનો કોરોનાનો રિપોર્ટ ૨૪મી મેના રોજ આવ્યો હતો. તેમના દીકરા પ્રદીપ વચેટાના જણાવ્યા અનુસાસ મંજુલાબેનને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેઓ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવા માગતા હતા, પરંતુ કોઈ હોસ્પિટલ તેમને કોરોના નથી તેવા રિપોર્ટ વિના એડમિટ નહીં કરે તેવું કહેવાતા આખરે મંજુલાબેનને GCRIમાં દાખલ કરાયા હતા તેમ અમદાવાદ મિરરનો અહેવાલ જણાવે છે.

ચોંકાવનારી વાત એ છે કે, ૨૪જ્રાક મેના રોજ મંજુલાબેનનું મોત થયું તેના સાડા ત્રણ કલાક બાદ તેમનું સેમ્પલ લેવાયું હતું, અને બે દિવસ પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમના દીકરાનો આક્ષેપ છે કે જો રિપોર્ટ પહેલા જ થઈ ગયો હોત તો તેઓ તેમની સારવાર પ્રાઈવેટ હોસ્પિટલમાં કરાવી શકયા હોત, અને આજે કદાચ મંજુલાબેન જીવતા હોત.

મૃતકના પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે તેમને ૨૦મી મેના રોજ સિવિલ લવાયા હતા, પરંતુ તેમનામાં કોરોના જેવા લક્ષણો દેખાતા દર્દીને કેન્સર હોસ્પિટલમાં મોકલાયા હતા. જોકે, તેમને બેડ આપવામાં દોઢ કલાક જેટલો સમય વિતિ ગયો હતો. બીજા દિવસે રાત્રે સાડા નવે તેમણે દીકરાને ફોન કરી જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, પરંતુ તેમને ઓકિસજન નથી અપાઈ રહ્યો, જો તેમને અહીંથી ના ખસેડાયા તો પોતે મોતને ભેટશે તેવી આશંકા પણ તેણે વ્યકત કરી હતી. જોકે, હોસ્પિટલે સબ સલામત હોવાનું તેમના પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું.

આખરે બીજા દિવસે હોસ્પિટલમાંથી તેમને ફોન આવ્યો કે મંજુલાબેનનું સવારે ૫.૩૦ કલાકે મોત થયું છે. પરિવારજનોને તેમની ડેડબોડી સવારે ૧૧ વાગ્યે સોંપાઈ. દીકરાએ તેમનો કોરોના રિપોર્ટ માગ્યો તો હોસ્પિટલ તરફથી કોઈ જવાબ ના મળ્યો. સતત બે દિવસ ફોન કર્યા બાદ ૨૬ મેએ તેમને રિપોર્ટ અપાયો. જેમાં સેમ્પલ લેવાનો જે સમય લખ્યો હતો તે મૃત્યુના ત્રણ કલાક પછીનો હતો. આ મામલે GCRIના ડે. ડિરેકટર ડો. પરિસીમા દવેએ જણાવ્યું હતું કે મૃત વ્યકિતમાંથી સેમ્પલ નથી લેવાતા. રિપોર્ટમાં જે સમય દર્શાવાયો છે તે સેમ્પલ લેબમાં ગયું ત્યારનો હોઈ શકે છે.

ચાંદખેડાના ધર્મેન્દ્ર રાજપૂત સાથે પણ કંઈક આવું જ થયું. રવિવારે તેમને સિવિલમાં એડમિટ કરાયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. જોકે, તેમનો કોરોનાનો રિપોર્ટ છેક ચાર દિવસ પછી આવ્યો હતો. જેમાં તેમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું ખૂલ્યું હતું. ગયા શુક્રવારથી જ મૃતકની તબિયત બગડી હતી. પહેલા તો તેઓ આરોગ્ય કેન્દ્ર પર ગયા, જયાંથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવવા બોલાવાશે તેમ કહી દ્યરે મોકલી દેવાયા. તે સાંજે જ તેમણે એકસરે કરાવ્યો, જેમાં ફેફસામાં અસર થઈ હોવાનું સામે આવ્યું. શનિવારે સાંજે તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, અને તેમને લ્પ્લ્ હોસ્પિટલમાં લઈ જવાયા, જોકે ત્યાં વેન્ટિલેટર ફ્રી ના હોવાથી સારવાર ના મળી શકી.

રવિવારે બપોરે તેમને ભત્રીજાની કારમાં જ સિવિલ લઈ જવાયા, પરંતુ થોડી વારમાં જ તેમનું મોત થયું. સોમવારે તેમના પરિવારજનોને જાણ કરાઈ કે તેમનું કોરોનાથી મોત થયું છે. જોકે, ૨૮મી મે સુધી તેમના એકેય પરિવારજનો કે તેમને હોસ્પિટલ લઈ જનારા તેમના ભત્રીજાના હજુ સુધી સેમ્પલ નથી લેવાયા.

(4:15 pm IST)
  • શ્રીલંકામાં ફસાઇ ગયેલ ભારતીયોને લઇને એર ઇન્ડિયા ફલાઇટ પરત આવશે access_time 11:50 am IST

  • દેશનું નામ ' ઇન્ડિયા ' નહીં " ભારત " અથવા " હિન્દુસ્તાન " રાખો : ભૂતકાળની ગુલામીમાંથી બહાર આવી ભાવિ પેઢીમાં રાષ્ટ્ર ભાવના જાગૃત કરવી જરૂરી : દિલ્હીના એક નાગરિકે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશનની સુનાવણી 2 જૂનના રોજ access_time 7:40 pm IST

  • રાત્રે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ વરસાદ : વાતાવરણમાં પલટો access_time 12:43 am IST