Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોલેજોમાં પરીક્ષાના નિર્ણયથી વાલીઓ-છાત્રોમાં ભારે રોષ

રાજ્યની કોલેજોમાં ૨૫મી જૂનથી પરીક્ષાનો આદેશ : ફેકલ્ટી મેમ્બર્સ પણ નારાજ, નિર્ણય લેતા પહેલાં સરકારે સુચનો ધ્યાનમાં ન લીધા હોવાની ફરિયાદ, જુદા-જુદા જૂથો વિરોધ પ્રદર્શન કરે એવી શક્યતા

અમદાવાદ, તા. ૨૯  : રાજ્ય સરકારે હાલમાં જ નિર્ણય લેતા કોલેજ લેવલની પરીક્ષાઓ ૨૫મી જૂન બાદથી શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ નારાજ હોવાનું જણાઈ રહ્યું છે. નિર્ણય લેતા પહેલા સરકારે તેમના સૂચનો પર ધ્યાન ન આપ્યું હોવાનું માનીને જુદા જુદા ગ્રુપો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવાનું વિચારી રહ્યા છે. જ્યારે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ પહેલાથી જ પોતાની સાથે જોડાયેલી કોલેજોમાં ૨૫ મી જૂનથી પરીક્ષા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે અન્ય યુનિવર્સિટીઓએ હજુ તારીખ જાહેર કરી નથી. સૂત્રોએ જણાવ્યું કે, કેટલાક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓએ કોલેજની પરીક્ષામાં તેમની સેફ્ટી મામલે સોશિયલ મીડિયા પર ચિંતા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકારના આદેશમાં અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના બીજા અને ચોથા સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ૨૫મી જૂનથી શરૂ થવાની વાત કરાઈ છે. આ મુદ્દે ૩૫૦થી વધારે કોલેજો સાથે સંકળાયેલી ગુજરાત યુનિવર્સિટીએ હજુ સુધી મૌન સાધ્યું છે.

              યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું કે, પરીક્ષાની તારીખો જાહેર કરવા માટે યુનિવર્સિટી લેવલ પર કોઈ ગંભીર ચર્ચા કરવામાં આવી નથી. ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્ચ ઓર્ગેનાઈઝેશને માગણી કરી છે કે, સરકારે પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઈએ. કોવિડ-૧૯ની મહામારીથી માર્ચના છેલ્લા અઠવાડિયાથી કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ થતાં વિદ્યાર્થીઓ પોતપોતાના ઘરે પાછા જતા રહ્યા હતાં. એવામાં પરીક્ષા લેવા પર રાજ્યભરના જુદા જુદા શહેરોમાંથી તેમને ફરીથી અમદાવાદમાં આવવું પડશે. ઓર્ગેનાઈઝેશનના સભ્યએ કહ્યું, જો હવે પરીક્ષાનું આયોજન થાય છે તો ગુજરાતના જુદા જુદા ભાગમાંથી વિદ્યાર્થીઓ આવશે. અમદાવાદ જેવા શહેર જ્યાં કોરોનાનું જોખમ સૌથી વધારે છે, ત્યાં વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે ? યુનિવર્સિટી લિમિટેડ સ્ટાફ મેમ્બર્સ સાથે કાર્યરત છે એવામાં હોસ્ટેલ ફેસિલીટી પણ ફરીથી શરૂ કરવી પડી શકે છે.

             નવરંગપુરામાં આવેલી સમરસ હોસ્ટેલને કોવિડ કેર ફેસિલિટીમાં ફેરવાઈ છે, એવામાં પરીક્ષા આપવા માટે હોસ્ટેલમાં પાછા રહેવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે NSUI એ સરકાર સમક્ષ સ્પષ્ટતાની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ દેશભરની યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની પરીક્ષા સંબંધિત અને અન્ય એકેડમિક એક્ટિવિટી મામલે આવતી મુશ્કેલીઓ સોલ્વ કરવા એક સેલનું સેટઅપ કરવાનો આદેશ આપ્યો હતો. બીજા વર્ષમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીના વાલીએ પૂછ્યું, યુજીસીએ પોતાની ગાઈડલાઈનમાં ઉલ્લેખ કર્યાે છે કે, જે રાજ્યમાં કોવિડ-૧૯ની સ્થિતિ સામાન્ય હોય ત્યાં પરીક્ષા જુલાઈમાં યોજાવી જોઈએ. આ સમયે જ્યારે સ્થિતિ હજુ નોર્મલ નથી, શા માટે રાજ્ય સરકારે જૂનના છેલ્લા અઠવાડિયામાં પરીક્ષા લેવા માટે આટલી ઉતાવળી છે ?

(8:10 pm IST)