Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

સોમવારથી સચિવાલયમાં ચહલપહલ વધશેઃ મંત્રીઓ-ધારાસભ્યોની એન્ટ્રી

સોશ્યલ ડીસ્ટન્સીંગથી બેઠકો થશેઃ મુલાકાતીઓ માટે હજુ અનિશ્ચિતતા

રાજકોટ, તા., ૨૯: રાજયમાં બે મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા લોકડાઉનના કારણે સચિવાલયમાં સુમસામ વાતાવરણ થઇ ગયેલ. ૧ જુન સોમવારથી સચિવાલયમાં નોંધપાત્ર ચહલપહલ જોવા મળે તેવા એંધાણ છે. મંત્રીઓ ફરી પોતાનો કારોબાર સંભાળી લેશે. ધારાસભ્યોને પણ અગાઉથી નક્કી કર્યા મુજબના સમયે પ્રવેશ મળશે. સામાન્ય લોકોના સચિવાલયના પ્રવેશ બાબતે હજુ કઇ નક્કી નથી. તા.૩૧ પછી કયા પ્રકારનુ લોકડાઉન આવે છે તેના આધારે સચિવાલયમાં મુલાકાતીઓના પ્રવેશ અંગેનો નિર્ણય થશે.

લોકડાઉન પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને બે-ત્રણ મંત્રીઓ સિવાય મોટાભાગના મંત્રીઓ ગાંધીનગરથી દુર રહયા છે.  મોટા ભાગે વહીવટી તંત્ર દ્વારા જ કામગીરી ચાલતી હતી. હવે લોકડાઉનમાં વધુ છુટછાટ મળવાના સંજોગો થતા સરકારે સોમવારથી મંત્રીઓને પોતાના મંત્રાલયમાં કાર્યભાર સંભાળી લેવા જણાવ્યું છે. છેલ્લા બે મહિનાથી વિડીયો કોન્ફરન્સથી થતી કેબીનેટ બેઠક આ વખતે અગાઉની જેમ ગાંધીનગરમાં મંત્રીઓની રૂબરૂમાં જ થાય તેવા સંજોગો છે. ધારાસભ્યો દર મંગળવારે મંત્રીઓને મળતા હોય છે. તેમને અગાઉથી સમય મેળવી મંત્રીઓને મળવાનું જણાવાશે.  લોકડાઉન પછી સામાન્ય લોકો માટે સચિવાલયના દ્વાર બંધ જ છે. હાલ જરૂરીયાત પુરતા જ અધિકારીઓ અને કર્મચારીઓ સચિવાલયમાં ફરજ પર આવી રહયા છે. સોમવારથી આ સંખ્યા વધે તેવી ધારણા છે.  જુનમાં કોરોનાની પરિસ્થિતી કેવી થાય છે ? તેના આધારે સચિવાલયમાં આગામી દિવસોનો ધમધમાટ નક્કી થશે.

(4:10 pm IST)