Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના લક્ષણો વાળા યુવકને સોલા સિવિલના સ્ટાફે કહ્યું -ઘરે આરામ કરો ,ટેસ્ટની જરૂર નથી

ફેડોરા સોલ્યુશન કંપનીના એડમિનમાં સિનિયર એક્ઝિક્યુટીવે પોતાની અનુભવ ફેસબુમાં શેર કર્યો

ગાંધીનગર - અમદાવાદ સ્થિત કોબા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના લક્ષણો સાથે એક યુવક પ્રવેશે છે અને કહે છે કે મારે કોરોનાનો ટેસ્ટ કરાવવો છે. તેને પૂછવામાં આવે છે કે શું થાય છે ત્યારે તે યુવાન કહે છે કે મને ગળામાં દુખાવો છે અને તાવ છે. સિવિલના સ્ટાફે આ યુવકને કહ્યું કે તમે જે દવા લો છો તે લઇને ઘરે આરામ કરો, ટેસ્ટ કરવાની જરૂર નથી.

અમદાવાદમાં રહેલા રોહન કુમાવતને સોલા સિવિલનો કડવો અનુભવ થયો છે. તેણે તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે—મારૂં નામ રોહન કુમાવત છે. હું આજે સોલા સિવિલ હોસ્પિટલમાં મારો કોરોના રિપોર્ટ કરાવવા માટે ગયો હતો. મને છેલ્લા પાંચ દિવસથી તાવ છે. ગળામાં ખૂબ દુખાવો છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. મેં કેટલીક દવાઓ લીધી હતી પરંતુ તેનાથી સારૂં થતું નથી.

મારી તબિયત એવી જ હોવાથી હું સોલા સિવિલમાં કોરોના ટેસ્ટ માટે ગયો હતો. મને કોરોના છે કે નહીં તેનું મારે ચેકીંગ કરાવવું હતું પરંતુ હોસ્પિટલમાંથી મને કહેવામાં આવ્યું કે તમારો ટેસ્ટ નહીં થાય. મને એમ પણ કહેવામાં આવ્યું કે તમે જે દવા લો છો તે બીજા પાંચ દિવસ સુધી ચાલુ રાખો.

મને કોરોના જેવા જ લક્ષણો છે છતાં મારો કોરોના ટેસ્ટ થતો નથી તેથી મને આશ્ચર્ય થાય છે. મારી અને મારા પરિવારની જીંદગી દાવ પર લાગેલી છે. મને જો કોરોના હશે તો મારા પરિવારના સભ્યોને થશે પરંતુ મારો ટેસ્ટ કરવાનો ઇન્કાર કરવામાં આવે છે તેનું કારણ મને સમજાતું નથી.

મને બહું દુખ થાય છે કે સરકારની આવી સર્વિસ કેમ છે...રોહને તેના ફોટા સાથે ગઇકાલે આ પોસ્ટ તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકી છે. તે ફેડોરા સોલ્યુશન કંપનીના એડમિનમાં સિનિયર એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરે છે. ફેસબુકની કોમેન્ટમાં તેને ઘણાં મિત્રોએ 104 નંબરમાં કોલ કરવા સહિતની ભલામણો કરી છે. કોઇએ તેને પ્રાઇવેટ લેબમાં જવાનું કહ્યું છે.

(1:53 pm IST)