Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પેરોલ મુકત ૧પ હજાર જેટલા કેદીઓને કોવીડ - ૧૯ ટેસ્ટ રીપોર્ટ આધારે જ જેલમાં પરત લેવાશે

ટેસ્ટ નેગેટીવ હશે તો જ જેલમાં રખાશેઃ હાઇકોર્ટના આદેશ મુજબ અમલઃ ડો.કે.એલ.એન. રાવ

રાજકોટ, તા., ૨૯: ગુજરાત હાઇકોર્ટના આદેશાનુસાર હાઇકોર્ટની હાઇપાવર કમિટીના સૂચન અને સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ ૭ વર્ષથી ઓછી એવી હળવી સજાવાળા  ગુજરાતના ૧પ હજાર જેટલા કેદીઓ કે જેઓ હાલ ટેમ્પરરી પેરોલ પર છે તેઓ પરત જેલમાં ફરે ત્યારે તમામ કેદીઓના કોરોના ટેસ્ટના રીપોર્ટ કરાવ્યા બાદ, રીપોર્ટ નેગેટીવ હશે તો જ જેલમાં પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય થયાનું સૂત્રો જણાવે છે.

આજ રીતે પેરોલ પર રહેલા કેદીઓના જામીન માટે પણ તેઓનો કોરોના રીપોર્ટ નેગેટીવ છે કેે કેમ? તે બાબત અદાલતના આદેશ મુજબ જામીન માટે  મહત્વની બની રહેશે તેમ ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન. રાવે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

અદાલતના મહત્વના આદેશ અને જેલ તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણય પાછળ હાઇકોર્ટમાં  થયેલી એક અપીલ મહત્વની બની છે. એક આરોપી દ્વારા પોતાની પત્નીને કોરોનાની અસર હોય તે માટે રેગ્યુલર જામીનની માંગણી થયેલી. સંબંધક કેદીના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ પરીવાર પાસે મોકલવા આદેશ થયેલ. હાઇકોર્ટનું મંંતવ્ય એવું હતુ કે  સંબંધક આરોપીને કોરોના ટેસ્ટ કરાવ્યા વગર મોકલવામાં આવે તો તેમના ૩ માસુમ બાળકો ઉપર જોખમ ઉભુ થાય.

હાઇકોર્ટ દ્વારા એવું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કે, સંબંધક આરોપીનો પરીવાર અમદાવાદના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહે છે. તે બાબત પણ ધ્યાને લેવી પડે. માટે આરોપીનો ફરીવાર ટેસ્ટ કરાવી એ ટેસ્ટના આધારે જ તેની જામીન અરજી માટે નિર્ણય લઇ શકાય.

(11:58 am IST)