Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના છેતરપીંડી સમાનઃ લોનની પ્રોસેસ અઘરી

સુરતના એક એકિટવિસ્ટે મુખ્યમંત્રી-આરોગ્યમંત્રીને લીગલ નોટિસ આપીઃ જામીન વગર લોન આપવા માંગણી કરી

અમદાવાદ,તા.૨૯:નાના વેપારીઓ અને ઓછી આવક ધરાવતા લોકોને લોકડાઉનમાં કામધંધા બંધ થઈ જતાં બે ટકા વ્યાજે એક લાખ સુધીની લોન આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. જોકે, આ મામલે સુરત સ્થિત એકિટવિસ્ટ દ્વારા સીએમ વિજય રુપાણી અને રાજય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી પર લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.

જામીન માગ્યા સિવાય લોન આપવા માગ

સંજય એઝહાવા નામના એકિટવિસ્ટે પોતાના વકીલ ગિરિશ હરેજા મારફતે ૨૩ મેના રોજ લીગલ નોટિસ મોકલી હતી, અને સાત દિવસમાં તેનો જવાબ માગ્યો હતો. તેમની માગ છે કે સરકારે લોન મેળવવા ઈચ્છતા લોકો પાસેથી કોઈના જામીન માગ્યા સિવાય પ્રાઈવેટ બેંકો મારફતે રકમની ફાળવણી કરવી જોઈએ. તેમ અમદાવાદ મીરરનો અહેવાલ જણાવે છે.

૧૪મી મેએ જાહેર થઈ હતી યોજના

વિજય રુપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની ૧૪મી મેના રોજ જાહેરાત કરી હતી. જેમાં દાવો કરાયો હતો કે લોકડાઉનને કારણે આવક ગુમાવનારા દસેક લાખ જેટલા નાના વેપારીઓ અને કારીગરોને આ યોજના મારફતે એક લાખ રુપિયા સુધીની લોન મળશે. રુપાણીએ તો એવો દાવો પણ કર્યો હતો કે આ લોન લેવા માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે, અને કોઈ જામીન (ગેરંટી) આપ્યા વિના જ તેનો લાભ લઈ શકાશે.

૧૦ પુરાવા, બે જામીન મગાય છે

જોકે, સહકારી બેંકો દ્વારા અપાતા ફોર્મમાં ૧૦ જેટલા પુરાવા અને બે લોકોના જામીન અને તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો મગાતી હોવાનું બહાર આવ્યું હતું. અરજકર્તા પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ, આખા પરિવારની વિગતો, આવકનું પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર, શ્રમયોગી નંબર, એડવાન્સ ચેક જેવી વિગતો મગાય છે. સીએમે આ યોજનાની જાહેરાત કરતા જે દાવો કર્યો હતો તેની વિરુદ્ઘ બેંકો ઢગલાબંધ પુરાવા અને જામીન માગી રહી હોવાથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

લોન આપવાની પ્રોસેસ ખૂબ જ અઘરી

રૂપાણી સરકારને આ અંગે લીગલ નોટિસ મોકલનારા સંજય એઝહાવાએ જણાવ્યું હતું કે સરકારે વચન આપ્યું હતું તે અનુસાર લોકોને લોન તો મળી જ નથી રહી. બેંકો સામાન્ય અરજકર્તાઓ પાસેથી જામીન ઉપરાંત અનેક પ્રકારના દસ્તાવેજો માગે છે. જેથી લોકોને પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવાઈ રહી છે.

(11:34 am IST)