Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

કોરોના સુઓમોટો કેસની સુનાવણી કરનાર જસ્ટિસ પારડીવાલા અને ઈલેશ વોરાની બદલી અફવાઃ ટ્રાન્સફર નહીં પરંતુ રોસ્ટર બદલાઈ

હવે બદલાયેલ રોસ્ટર પ્રમાણે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલા દ્વારા PIL સાંભળવામાં આવશે

અમદાવાદ,તા.૨૯:ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોનાના કહેર વચ્ચે સરકારને હચમચાવી નાખે તેવા એક પછી એક ઓર્ડર જસ્ટિસ જેબી પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ દ્વારા પાસ કરવામાં આવ્યા છે. સરકાર જયારે કોરોના મુદ્દે આંખ કાન આડા કરીને નાગરિકોને રામ ભરોસે છોડી દેવામાં આવ્યા હતા ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા લોકતંત્રના પાયાને મજબૂત કરતા એક પછી એક સતત આદેશો કરવામાં આવ્યા હતા. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર, સિવિલ હોસ્પિટલ, સ્વાસ્થ્ય વિભાગ, સ્વાસ્થ્ય મંત્રી, સ્વાસ્થ્ય સચિવ એકને પણ બક્ષવામાં આવ્યા નહતા અને દેશમાં કાયદાનું રાજ ચાલે છે તેનું ભાન સરકારને કરાવ્યું હતું. જોકે, આ બધા વચ્ચે જયારે જયુડિશિયરી મામલે નીચેથી ઉપર સુધી તમામ અફવાઓ ચાલતી રહે છે એ જ રીતે એક નવી અફવા પણ બહાર આવી હતી કે કોરોનાના સુઓમોટો કેસ સાંભળનાર જસ્ટિસ પારડીવાલાની બદલી કરી દેવામાં આવી છે. જોકે, આ નીરંતર અફવા છે, તેમની બદલી નહી પરંતુ રોસ્ટર (જવાબદારી) બદલાઇ છે.

કોરોના સુઓમોટો કેસ ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. હવે જયારે ફરીથી રોસ્ટર બદલાયો છે ત્યારે આ કેસ ચીફ જસ્ટિસની બેન્ચ દ્વારા સાંભળવામાં આવશે અને આ બદલાયેલા રોસ્ટર પ્રમાણે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલા દ્વારા સાંભળવામાં આવશે.

આ પહેલા જયારે સુઓમોટો લેવામાં આવ્યા હતા ત્યારે ચીફ જસ્ટિસ સાથે જસ્ટિસ એજે શાસ્ત્રી દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવતી હતી પરંતુ આ કેસ સાથે જોડાયેલા મુખ્ય આદેશો જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ ઇલેશ વોરાની બેન્ચ દ્વારા આપવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પારડીવાલા અને ઇલેશ વોરાની બેન્ચ દ્વારા કોરોનાના વધતા કેસ વધતા સ્વાસ્થ્ય વિભાગને ચેતવણી આપી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે, તમે સુધરો નહી તો અમે સુધારવા આવીશું, સાથે જ સિવિલ હોસ્પિટલની સ્થિતિને જોવા માટે સરપ્રાઇઝ વિઝિટની પણ વાત કરી હતી.

(11:33 am IST)