Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ખાનગી હોસ્પિટલો - લેબને પૂર્વ મંજૂરી વિના ટેસ્ટ કરવા મંજૂરી આપો : હાઇકોર્ટમાં રિટ : આજે સુનાવણી

સમગ્ર તબીબી આલમ જોખમમાં મૂકાઇ ગઇ છે : રિટમાં અમદાવાદ મેડીકલ એસો.એ લાગણી વ્યકત કરી

રાજકોટ તા. ૨૯ : અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ કરીને ખાનગી હોસ્પિટલો અને પેથોલોજીને કોરોના માટેનો RT-PCR ટેસ્ટ કરવા દેવાની માગ કરવામાં આવી છે. તે ઉપરાંત કોરોનાના ટેસ્ટ પહેલાં સોલા સિવિલ હોસ્પિટલની પૂર્વ મંજૂરી પણ ન લેવી પડે એવી માગ પણ કરવામાં આવી છે. આ રિટની સુનાવણી આજે શુક્રવારે હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ થાય એવી શકયતા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિન્ટ ડો. મોના પરિમલ દેસાઇએ આ રિટ કરી એવી રજૂઆત કરી છે કે, કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ૯૦૦૦ પૈકી અનેક ડોકટર્સ ફ્રન્ટ લાઇન પર લડી રહ્યા છે અને કોરોના તથા કોરોના વિનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. કોરોના સામે લડવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને આઇસોલેશન એ ત્રણ સૌથી મહત્ત્વના પાસાછે.ત્યારે કોરોના સિવાયના દર્દીઓની સારવાર કરતાં અને ઘણી વખતે અગત્યની સર્જરી કરતાં પહેલાં દર્દીઓના કોરોનાના ટેસ્ટ કરવા અત્યંત જરૂરી અને મહત્ત્વના બની જાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓથોરિટી તરફથી એવા નિર્દેશો કરાયા છે કે કોઇ પણ કોરોનાના ટેસ્ટ કરવા માટે સોલા સિવિલ હોસ્પિટલ જોડેથી મંજૂરી લેવાની રહેશે. આ પ્રકારની મંજૂરી સહિતની પ્રક્રિયાના પગલે અનેક ઇમરજન્સી કેસોમાં સારવાર આપવામાં વિલંબ થઇ શકે છે. ત્યારે ન માત્ર દર્દી પરંતુ તેની સર્જરી કે સારવાર કરનાર સ્ટાફ અને ડોકટર્સને પણ કોરેનાનો ચેપ લાગવાનો અજ્ઞાત ભય રહે છે.

રિટમાં વધુમાં એવા મુદ્દા ઉપસ્થિત કરાયા છે કે, કોઇ પણ દર્દીની સર્જરી કે ટ્રીટમેન્ટ પહેલાં તેના બધા ટેરટ કરવા અત્યંત જરૂરી હોય છે. દર્દી કોરોનાથી પીડિત છે કે કેમ તેની ખરાઇ વિના તેને હોસ્પિટલમાં દાખલ કરવો અન્ય દર્દીઓ માટે પણ જોખમી છે.

(10:05 am IST)