Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અંકુર ૪ રસ્તા પાસે સંકુલમાં ભીષણ આગને લઇ દોડધામ

ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચીને આગ બુઝાવી : આગ લાગી તે અંકુર કોમર્શિયલ સેન્ટરમાં હજુ પણ ખુલ્લા વાયરો-મીટરો સહિતની જોખમી સ્થિતિ : દુર્ઘટનાનો ખતરો

અમદાવાદ, તા.૨૯ : શહેરના અંકુર ચાર રસ્તા પાસે આવેલા અંકુર કોમર્શીયલ સેન્ટર(કોમ્પલેક્ષ)માં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે લોકોમાં નાસભાગ અને અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સુરતના આગકાંડ બાદ હવે ગમે ત્યાં આગ લાગે તો ય લોકોમાં ડર અને ગભરાહટની લાગણી ફેલાઇ જાય છે. જો કે, અંકુર કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં આગના બનાવની જાણ થતાં શહેરના ફાયરબ્રિગેડ વિભાગે ભારે સતકર્તા દાખવી તાત્કાલિક બેથી વધુ ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક આગના સ્થળે પહોંચી જઇ પાણીનો જોરદાર મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. જો કે, આગના આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નહી થતાં સ્થાનિક લોકો અને તંત્રએ ભારે રાહતની લાગણી અનુભવી હતી. જો કે, અંકુર કોમર્શીયલ સેન્ટરમાં ખુલ્લા વાયરો અને મીટરોની પરિસ્થિતિ પણ ઘણી જોખમી અને ગમે ત્યારે ગંભીર આગ કે અકસ્માતની ઘટના નોંતરે તેવી સ્થિતિ હોવાછતાં કોમ્પલેક્ષના હોદેદારો આ મુદ્દે ગંભીર નિષ્ક્રિયતા દાખવી રહ્યા હોવાની જોરદાર ચર્ચા ચાલી હતી. એટલું જ નહી, કોમ્પલેક્ષમાં ચાની કીટલીઓ અને પાનના ગલ્લાઓને લઇ ગંદકી અને અસ્વચ્છતાનું વાતાવરણ પણ પ્રવર્તી રહ્યું છે, જેની સામે અમ્યુકો તંત્રની ટીમે આકરી કાર્યવાહી કરવી જોઇએ તેવી પણ લોકોમાં લાગણી ઉઠી હતી. અમ્યુકો તંત્રએ પાન-મસાલાની જાહેરમાં પિચકારી કે થૂંકવા પર દંડનીય કાર્યવાહીની ઝુંબેશ શરૂ કરી છે ત્યારે અંકુર કોમર્શીયલ સેન્ટર ખાતેની ગંદકી અને અસ્વચ્છતા ગમે ત્યારે હવે અમ્યુકોના સ્કેનીંગમાં આવે તેવી પૂરી શકયતા છે. શહેરના અંકુર ચાર રસ્તા પાસે આવેલા અંકુર કોમર્શીયલ સેન્ટરમાં આજે સવારે ત્રીજા માળે અચાનક કોઇક કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાની સ્થાનિક લોકોને ખબર પડતાં ફાયરબ્રિગેડને જાણ કરાઇ હતી. ફાયરબ્રિગેડના જવાનો બેથી વધુ ફાયરફાઇટરો સાથે તાત્કાલિક અહીં આવી પહોંચ્યા હતા, જેના પરિણામે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો જોરદાર અને અસરકારક મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગ કાબૂમાં લઇ લીધી હતી, જેને લઇ સ્થાનિકોએ ફાયરબ્રિગેડની કામગીરીની પ્રશંસા કરી હતી. જો કે, આગના બનાવને લઇ સ્થાનિકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.

આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ નહી નોંધાતા સ્થાનિકોની સાથે સાથે તંત્રએ પણ રાહતનો દમ લીધો હતો.

(9:13 pm IST)