Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાટણ : ઢોલ વગાડવા નહી જનાર યુવાનને માર મરાયો

વામૈયા ગામે અનુસૂચિત જાતિનો વિવાદ ઉછળ્યો : ઘટનાની જાણ થતાં કલેક્ટર આનંદ પટેલ, એસપી શોભા ભૂતડાએ ગામમાં પહોંચીને સમાધાન માટેના પ્રયાસો કર્યા

અમદાવાદ, તા.૨૯ : પાટણના વામૈયા ગામમાં અનુસૂચિત જાતિના લોકોનો ગામલોકોએ બહિષ્કાર કરતાં ફરી એકવાર અનુસૂચિત જાતિના લોકો સાથે અત્યાચારનો વિવાદ ગરમાયો હતો. જો કે, આ વખતે આ વિવાદ પાટણના વામૈયા ગામે સર્જાયો હતો, જયાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા નહી જનાર અનુસૂચિત જાતિના યુવકને માર મરાતાં મામલો બહુ ચગ્યો હતો. ઘટનાની જાણ થતાં કલેક્ટર આનંદ પટેલ, એસપી શોભા ભૂતડા ગામમાં પહોંચી ગયા હતા અને બેઠક યોજીને સમાધાનના પ્રયાસ હાત ધર્યા હતા. બીજીબાજુ, અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાટણના વામૈયા ગામે એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે અનુસૂચિત જાતિના યુવકને બોલાવ્યા હતા. પરંતુ તે કોઈ કારણસર ગયો ન હતો. જેનું મનદુઃખ રાખીને ઢોલ વગાડનારના ઘરે જઈને ગામના ત્રણ શખ્સોએ તેને માર માર્યો હતો. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી હતી. બીજીબાજુ, વામૈયામાં અનુસૂચિત જાતિના લોકોના સામાજીક બહિષ્કારને પગલે પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા શોભા ભૂતડા, ડીવાયએસપી જે. ટી. સોનારા, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામમાં દોડી ગયા હતા અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે બેઠક યોજી શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા હતા. પોલીસ અને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ગામવાસીઓને અનુરોધ કર્યો હતો કે, સૌ સાથે હળીમળીને રહો. અનુસૂચિત જાતિના લોકો સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કે બહિષ્કાર કરવો નહીં. જો એમ કરવામાં આવશે તો સંવૈધાનિક કાયદેસરની કાર્યવાહી કરવા સુધીના પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે, વામૈયા ગામના ઉપરોકત બનાવને લઇ આજે ફરી એકવાર અનુસૂચિત જાતિ સાથે ઓરમાયા વર્તનનો મામલો ગરમાયો હતો.

(8:32 pm IST)