Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાંચ માસમાં પોણો ડઝન જેટલા સુરત મ્યુનિ.કોર્પોરેશનના ઉચ્ચકક્ષાના એન્જીનીયરો એસીબી છટકામાં ઝડપાયા

રર માસુમ બાળકોના મોત જેવી કરૂણાંતિકા માટે આવા કારણો પણ ઓછા જવાબદાર ન હોવાનું તારણ : એક મહિલા કોર્પોરેટર અને તેના પતિ પણ એસીબીની ઝપટેઃ અન્ય તંત્ર ભલે નિંદ્રામાં, એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં એસીબી ટીમ સક્રિય

રાજકોટ, તા., ૨૯: સુરતમાં રર જેટલા માસુમ બાળકોના જીવ લેતી આગની જે ઘટના બની તે માટે બિલ્ડરો અને સંચાલકોને ઝડપ્યા બાદ સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન અને અન્ય સરકારી ખાતાઓની ભુમીકા અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે તેવા સમયે આવી ગેરકાયદે મંજુરીઓ માટે સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તથા રાજકારણીઓની સંડોવણીઓ પણ ખુલવા પામી છે.

આવી કરૂણાંતીકા છતાં તાજેતરમાં તાપી નદીમાંથી જળકુંભી કાઢવાની કામગીરીમાં કલાકો વધારી દેવા માટે પ૭,૦૦૦ની લાંચના છટકામાં ટેકનીકલ આસીસ્ટન્ટ ભીખુભાઇ પટેલ ઝડપાઇ જતા સન્નાટો મચ્યો છે.

એસીબી વર્તુળોના કથન મુજબ સુરતમાં  મ્યુનીસીપલ કોર્પોરેશનમાં લાંચ લેવાનું ચલણ લાંબા સમયથી વધી રહયું છે. આ અગાઉ પ૦,૦૦૦ની લાંચ લેતા જુનીયર એન્જીનીયર હરેશ પટેલ, મહિલા કોર્પોરેટરના પતિ દિનેશભાઇ રાઠોડ, કાર્યપાલક ઇજનેર માનસંગ ચૌધરી, ડે. એન્જીનીયર નિલેશ આર.રામાવત, આસી. એન્જીનીયર નિલેશ પટેલ  પણ ઝડપાયા છે.

આજ રીતે સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર માનસંગ એન. ચૌધરી, ચોક્કસ કંપનીના થાંભલાના બદલે બીજી કંપનીના થાંભલાઓ વપરાશમાં લઇ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને ૩૩ લાખના ખાડામાં ઉતારી હતી. દરમિયાન સુરતના એક ભુતપુર્વ મ્યુનિસિપલ કમિશ્નરે પોતાના કાર્યકાળ દરમિયાન મંજુરી અપાયાની વાતને નકારી કાઢી આવી મંજુરીઓ ઝોનલ હેડ દ્વારા અપાયાનું જણાવ્યું છે. અન્ય ખાતાઓ ભલે બેદરકાર રહયા હોય એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં ગુજરાતનું લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો સુરતના કસુરવાન મોટામાથા જેવા લાંચના આરોપીઓને ઝડપવામાં સક્રિય રહેલ.

(1:20 pm IST)