Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કોર્પોરેશન સ્વચ્છ સાબરમતી અભિયાન શરૂ કરવા ઇચ્છુક

ગાંધી જયંતી સુધીમાં નદીમાં નવું પાણી આવશે : સુજલામ-સુફલામ યોજના હેઠળ નદીનું શુદ્ધિકરણ કરાશે પાંચમી જૂન સુધીમાં ૯૫ ટકા જેટલા ગંદા પાણીનો નિકાલ

અમદાવાદ,તા. ૨૮ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તા.૨ જી ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે. સાબરમતી નદીમાં ટ્રીટ વોટર ઠાલવવામાં આવશે, સુજલામ-સુફલામ યોજના હેઠળ નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે એમ આજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બીજલબહેન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ સમાન સાબરમતી નદીને સ્વચ્છ કરવાના મહાઅભિયાન પ્રોજેકટ અંતર્ગત આગામી ચાર મહિનામાં ચાર જુદા જુદા તબક્કામાં ચાર મહત્વના કામો કરવામાં આવશે. જેમાં નદીમાં ભરાયેલું ગંદુ પાણી બહાર કાઢવામાં આવશે, નદીમાં આવતું ગટરનું પાણી બંધ કરાશે, સૂકાયેલા કચરો સાફ કરવામાં આવશે અને વરસાદી અને ટ્રીટ વોટરથી નદી ભરવામાં આવશે. આગામી તા. ૫ જુનના રોજ સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં સાબરમતી નદીની સફાઈનું અભિયાન શરૂ કરાશે. જેમાં ૧૦ હજારથી વધુ લોકો હાજર રહેશે.  મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને મેયર બીજલબહેન પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરની ઓળખ સમી સાબરમતી નદીમાં વર્ષોથી ગંદુ પાણી વહેતું હતું. જેથી મુખ્યમંત્રીની સૂચના અનુસાર સાબરમતી નદી સફાઈ મહાઅભિયાન શરૂ કરવામાં આવશે. હાલ સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. ત્યારે ૯૦ ટકાથી વધુ ગંદુ પાણી નીકળી ગયું છે અને આગામી તા.૫ જૂન સુધીમાં ૯૫ ટકા જેટલા ગંદા પાણીનો નિકાલ થઈ જશે. ત્યારબાદ ચોખ્ખા વરસાદી અને ટ્રીટ કરાયેલા પાણીથી નદી ભરવામાં આવશે. અમ્યુકો દ્વારા સાબરમતી નદીને સ્વચ્છ અને રમણીય બનાવવાનું આ મહાઅભિયાન હાથ ધરાયું છે ત્યારે જો સાચા અર્થમાં નદી સ્વચ્છ અને ચોખ્ખા પાણીથી ભરપૂર બનશે તો, સાબરમતી નદી રમણીય બનવાની સાથે સાથે અમદાવાદ શહેરની શોભામાં પણ બહુ નોંધનીય અભિવૃધ્ધિ થશે તે નક્કી છે.

(9:32 pm IST)