Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બીજા દિવસે ફાયર સેફ્ટી અને ડિમોલિશન મુદ્દે કાર્યવાહી જારી

સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું બાંધકામ તોડાયું : શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સ્કૂલોમાં સવારે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા ભારે ફફડાટ

અમદાવાદ, તા.૨૮ : સુરતમાં આગની ઘટના બાદ શહેરમાં મ્યુનિશિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અને ગેરકાયદેસર બાંધકામ મામલે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઇકાલથી જ શહેરમાં આવેલી સ્કૂલો, હોસ્પિટલ ટ્યૂશન ક્લાસિસ, હોટલ્સ અને રેસ્ટોરેન્ટ્માં બનાવેલા ગેરકાયદેસર બાંધકામ અને શેડને દૂર કરવાનું કામ શરૂ કરાયું છે. આજે સતત બીજા દિવસે અમ્યુકોની દક્ષિણ પશ્વિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમે જોધપુર ક્રોસ રોડ નજીકની ઉદ્ગમ સ્કૂલ સંચાલિત સેટેલાઇટ સ્કૂલ ફોર ચિલ્ડ્રનમાં બનાવેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. ઉપરાંત પૂર્વ ઝોનમાં વસ્ત્રાલની સરસ્વતી સ્કૂલ, રામોલમાં આવેલી પુષ્પાંજલિ સ્કૂલ, વિરાટનગરના લર્નિંગ પ્લેનેટ, વિદ્યા ક્લાસિસ, મધ્ય ઝોનના ખાડિયામાં આવેલા બારોટ ક્લાસીસમાં કરાયેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. જેને પગલે ટયુશન કલાસીસ સંચાલકો અને ગેરકાયદે બાંધકામો તેમ જ શેડ સ્ટ્રકચર બાંધનારાઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. તો, શહેરના અન્ય ઝોનમાં પણ એસ્ટેટ વિભાગ દ્વારા આજ સવારથી જ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરમાં રાફડાની જેમ ફાટી નીકળેલી અનેક સ્કૂલો લાખો રૂપિયાની ફી ઉઘરાવતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા મામલે બેદરકારી દાખવતી હોય છે. મ્યુનિ. કોર્પોરેશનના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મહેરબાનીથી સ્કૂલો રેસ્ટોરેન્ટો અને હોટલો ગેરકાયદેસર બાંધકામો કરી દેતી હોય છે અને જ્યારે ગંભીર દુર્ઘટના બને ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો સામે ઝુંબેશ શરૂ કરી બાંધકામો દૂર કરાય છે પરંતુ પહેલેથી જ તંત્ર સજાગ અને સાવધાન રહેતું હોય તો, આવી ઘટનાઓ નિવારી શકાય.  આજે શહેરના પૂર્વ વિસ્તારમાં  ઓઢવ જીઆઇડીસીમાં શ્રીજી કોમ્પ્લેક્સમાં આવેલી ગેરકાયદેસર રીતે શેડ બાંધીને બનાવેલી લિટલ માસ્ટર પબ્લિક સ્કૂલનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું, તો શાહીબાગના અષ્ટમંગલ કોમ્પ્લેક્સના ધાબા પર બનાવેલા ગેરકાયદેસરના શેડને દૂર કરવામાં આવ્યા હતા.

આ જ પ્રકારે અખબાર નગર પાસે આવેલા કોમ્પ્લેક્સમાં બનાવેલા ગેરકાયદેસર જીમને પણ તોડી પાડવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પણ અમ્યુકો તંત્રની ફાયરસેફ્ટી અને ડિમોલીશનની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.

(9:33 pm IST)