Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ડાયેટરી સપ્લીમેન્ટમાં મિથાઇલ કોબાલ્માઇન પર અંતે પ્રતિબંધ

ગુજરાતભરમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા : ચાર કંપનીઓમાંથી ૧૭.૭૦ લાખનો જથ્થો કબજે કરાયો

અમદાવાદ,તા.૨૮ : પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફુડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા 'મિથાઇલ કોબાલ્માઇન' ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા કરીને ચાર કંપનીમાંથી રૂપિયા ૧૭.૭૦ લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા જણાવાયુ છે. કમિશનર દ્વારા જણાવાયાનુસાર ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્ટીકલ્સની બનાવટમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ નીચે 'મિથાઇલ કોબાલ્માઇન'નો ઉપયોગ કરી શકાય નહિં. આમ છતાં ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્ટીકલ્સ બનાવવામાં 'મિથાઇલ કોબાલ્માઇન' નો ઉપયોગ કરી રહેલ રાજ્યની ચાર કંપનીઓ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં (૧) મે.મેકસ ન્યુટ્રાસ્ટીકલ્સ, રતનપુર, સાંતેજ, જિ.ગાંધીનગર (ર) મે. મેક્સોલ લાઇફસાફન્સ, સાંતેજ, જિ.ગાંધીનગર (૩) મે. વોલપર હેલ્થકેર, સાંતેજ, જિ.ગાંધીનગર તથા (૪) જેનમેડ લાઇફસાયન્સ, વડોદરા સદર ઘટકનો ઉપયોગ કરતી જણાયેલ. જેની તપાસ કરી આવી બનાવટોના નમુના લઇ અને બાકીનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની અંદાજિત કિંમત ૧૭,૭૦,૯૦૦/- થાય છે. લીધેલ નમુના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપે છે.તંત્ર દ્વારા 'મિથાઇલ કોબાલ્માઇન' નો ઉપયોગ કરનાર કંપનીઓ પર હજુ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, એમ વધુમાં જણાવાયું છે.

(9:33 pm IST)