Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બાલાસિનોરમાં દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક સ્થાપિત થશે

ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે : ગુજરાતનો ડાયનાસોર તેમજ ફોસિલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ટ પાર્ક સ્થપાશે : નવું આકર્ષણ ઉમેરાશે

અમદાવાદ,તા.૨૮ : ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતને વિશ્વમાં નામના અપાવતો આશરે બાવન હેક્ટર વિસ્તારમાં વિસ્તરેલો ડાયનાસૌર અને ફોસીલ પાર્ક આગામી દિવસોમાં બાલાસિનોર ખાતે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.  રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ બાલાસિનોર ખાતે આકાર પામી રહેલા ડાયનાસૌર અને ફોસીલ પાર્કની ગઈકાલે લીધેલી મુલાકાત વેળા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતનો આ  ડાયનાસૌર અને ફોસીલ પાર્ક દુનિયાનો ત્રીજો સૌથી મોટો વિશિષ્ઠ પાર્ક બની રહેશે. પ્રવાસન મંત્રીએ રૈયોલી, બાલાસિનોરની ગઇકાલે મુલાકાત લીધી હતી અને સમગ્ર બાંધકામની પ્રક્રિયાનું જીણવટ ભર્યુઅં નિરીક્ષણ કર્યું હતું. હાલમાં આ ડાયનાસૌર અને ફોસીલ પાર્કનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી સમયમાં તેનું ઉદ્ઘાટન થશે તેમ તેમણે ઉમેર્યું હતું. મધ્ય ગુજરાતનું આ નવાબી નગર બાલાસિનોર, કે જ્યાં આજથી ૩૬ વર્ષ પહેલાં જેના અવશેષો મળ્યા હતા એ વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને આજે રજૂ કરતું ભારતનું સૌ પ્રથમ અદ્યતન 'ખોદકામથી પ્રદર્શન' સુધીની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહ્યું છે, જે ટુક સમયમાં ખુલ્લુ મૂકવામાં આવશે. આ મ્યુઝિયમ વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું હશે, જેમાં ડાયનાસૌરના રહેઠાણ, એની ટેવો, ખોરાક અને એના જીવનને લગતી અન્ય માહિતી વિવિધ સ્વરૂપે મૂકવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદી પૂર્વે બાલાસિનોર 'બાલાસિનોર રાજ્ય' નામે ઓળખાતું બાબી વંશનું નવાબી રાજ્ય હતું. અહી, મરાઠા અને અંગ્રેજોનું શાસન રહી ચૂક્યું છે.અમદાવાદથી લગભગ ૯૦ કીલોમીટર દૂર આવેલા બાલાસિનોરથી થોડાક જ અંતરે આવેલા રૈયોલી ગામે પ્રથમવાર ૧૯૮૩માં અને ત્યારબાદ, અનેકવાર પુરાતત્વ ખાતા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી ડાયનાસૌરના અનેક અવશેષો મળ્યા હતા. બાલાસિનોરથી ૧૧ કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પેલિયોન્ટોલોજિસ્ટ માને છે કે ડાયનાસોરની લગભગ સાત જાતિઓ અહીં રહેતી હતી. અહીથી સંશોધકો દ્વારા ડાયનાસૌર આશરે દસેક હજાર જેટલાં ઇંડાના અવશેષો શોધ્યા છે.

(8:23 pm IST)