Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ડોક્ટરની સાથે ઠગાઈ કરનાર કોલ સેન્ટર સંચાલક ઝડપાયો

સાઇબર ક્રાઇમે દિલ્હીથી સંચાલકને પકડ્યોઃ પકડાયેલા આરોપી સાથે અન્ય કેટલા લોકો છે અને અન્ય કોઇ વ્યક્તિ છેતરપિંડીનો શિકાર છે કે કેમ તેની ચકાસણી

અમદાવાદ,તા.૨૯: અમેરિકામાં એક કરોડની નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર કોલ સેન્ટરના સંચાલકની દિલ્હીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ શહેરના તબીબ સાથે આ છેતરપિંડી કરવામાં આવી છે. ફ્રોડ કરનાર શખ્સને સાઇબર ક્રાઈમ સેલે બાતમીના આધારે દિલ્હીમાંથી પકડી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરવામાં આવતા કેટલીક ચોંકાવનારી વિગત સપાટી ઉપર આવી છે. પકડાયેલા આરોપી સાથે તેની કંપનીમાં અન્ય કેટલા માણસો કામ કરતા હતા અને આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તથા આરોપીએ પોતાની કંપની દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે બાબતે તપાસ હાથ ધરી છે. આરોપી દિલ્હીમાં ધોરણ ૧૨ સુધી ભણેલો છે અને અગાઉ જુદી જુદી કંપનીઓમાં કામ કરી ચુક્યો છે. ગુડગાંવમાં આ પ્રકારના એક ગુનામાં પકડાઈ પણ ચુક્યો છે. અન્ને મળતી માહિતી મુજબ ડૉ. જયરાજ મનુભાઈ દેસાઈ નરોડા-નિકોલ રોડ પર રહેવાસી છે. થોડાક દિવસ પહેલા ડૉ. જયરાજભાઈ પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને કહ્યું હતું કે, હું અમેરિકામાં તેમની જોન્સન એન્ડ જોન્સન કંપનીમાં નોકરી અપાવીશ.  નોકરી તમારી એક કરોડ રૃપિયાની હશે. જો અમેરીકામાં નોકરી જોઈતી હોય તો અમારી વેબસાઈટ જોબસીકરર્સ પર ઓનલાઈન ૬૯૦૦ રૃપિયા ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેથી કરીને ડૉ.જયરાજભાઈએ એસબીઆઈ ક્રેડીટ કાર્ડ મારફતે ઓનલાઈન ૬૯૦૦ ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આરોપીએ પછી પોતાના ઈમેલ આઈડી તથા મેલ કરી ડૉ. જયરાજભાઈને અવનવા બહાના બતાવતો હતો અને તેમની પાસેથી અલગ અલગ ચાર્જ પેટે ૫,૫૭,૭૫૦ રૃપિયા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધર્યા બાદ મોબાઈલ નંબર ટ્રેસ કર્યો હતો. મોબાઈલ નંબરનું ટેકનીકલી એનાલીસિસ કરતાં તપાસના અંતે આ તમામ દિલ્હીથી રચાયેલ હોય અને આરોપીઓ રૃદ્રાક્ષ વર્લ્ડ વાઈડ પ્રાઈવેટ લીમીટેડના નામથી કંપની બનાવી આવા નોકરી મેળવનારને નોકરીને લાલચ આપી તેઓ સાથે ફ્રોડ કરી લેતા હતા. ક્રાઈમ બ્રાંચને દિલ્હી ખાતેનું લોકેશન આવતા ક્રાઈમ બ્રાંચની ટીમે દિલ્હી પહોંચી હતી. નોકરીની લાલચ આપનાર આરોપી શુભમ દિવાકર ઘોષ રહે. દિલ્હી ખાતેથી ઝડપી લીધો છે. આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે તે રૃદ્રાક્ષ વર્લ્ડ વાઈડ પ્રાઈવેટ લીમીટેડ ઓનલાઈન બતાવેલ સરનામે ભાડાથી રાખેલી જગ્યામાં ચલાવતો હતો. આરોપી લોકો સાથે છેતરપીંડી કરી મેળવેલ નાણા એચડીએફસી, આઈસીઆઈસીઆઈ તથા કોર્પોરેશન બેંકમાં અલગ અલગ ખાતાઓમાં ભરાવી દેતો હતો. જ્યારે આ કંપની આરોપીની માતા છાયા ઘોષના નામે રજીસ્ટર્ડ કરાવેલ છે. આરોપીની કંપનીમાં અન્ય કેટલા માણસો કામ કરતા હતા અને આ ગુનામાં અન્ય કોણ કોણ વ્યક્તિઓ સંડોવાયેલા છે તેમજ આરોપીએ પોતાની કંપની દ્વારા અન્ય કેટલા લોકો સાથે છેતરપીડીં કરી છે તે તો તપાસમાં બહાર આવશે.

(9:44 pm IST)