Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બાલાહનુમાન ફ્રી બસ સેવાનો પૂરતો લાભ હજુ લઇ ન શકાયો

ફ્રી બસ સેવાની પુરતી માહિતી અપાઈ જ નથી : તંત્રની બેદરકારી અને ઉદાસીનતાના કારણે બાલાહનુમાન એક્સપ્રેસની ફ્રી બસ સેવા સારી હોવા છતાંય લોકા વંચિત

અમદાવાદ,તા. ૨૯ : એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા અનેક વખત એક યા બીજા રૂટનું અચાનક જ ડાયવર્ઝન કરી દેવાય છે પરિણામે સેંકડો મુસાફરોને ભારે હાલાકીનો ભોગ બનવું પડતુ હોય છે તો, બીજી તરફ અમ્યુકો દ્વારા થોડા મહિના પહેલાં જ શરૂ કરાયેલી બાલાહનુમાન એક્સપ્રેસ જેવી એએમટીએસની મફત બસ સેવા ઘણી સારી અને અદ્ભુત હોવાછતાં તંત્ર દ્વારા તેની પૂરતી પ્રસિધ્ધિ કે સ્થાનિક લોકોને તેની પૂરતી જાણકારી મળી રહે તેવું વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવ્યું નહી હોવાના કારણે મોટાભાગના નાગરિકોને તેનો પૂરતો લાભ લઇ શકતા નથી. માત્ર સ્થાનિક લોકો જ બાલાહનુમાન એક્સપ્રેસ એએમટીએસ મફત  બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. તાજેતરમાં એએમટીએસના સત્તાવાળાઓએ છ રૂટની વધુ ૪૯ બસને બીઆરટીએસ કોરિડોરમાં દોડાવવાનું શરૂ કર્યું છે, પરંતુ તંત્ર દ્વારા એએમટીએસ સ્ટેન્ડ પર આને લગતી કોઇ પણ પ્રકારની જાણકારી કે નોટિસ લગાવાઇ નથી, જેના કારણે ઉતારુઓ કલાકો સુધી બસ સ્ટેન્ડ પર બેસી રહે છે. બીજી તરફ બાલાહનુમાન સર્ક્યુલર એક્સપ્રેસ બસ સેવા કે જે ઉતારુઓ માટે મફત સેવા છે તેનો લાભ અજાણ્યા ઉતારુઓ લઇ શકતા નથી. ભદ્રકાળી મંદિરના પરિસરથી ઉપડતી બાલાહનુમાન એક્સપ્રેસ બસ ગાંધીરોડથી કાલુપુર રેલવે સ્ટેશન બહારથી રિલીફરોડ થઇને ભદ્રકાળી મંદિર પરત ફરે છે. ચાર મહિના અગાઉ આ બસ સેવા શાસકો દ્વારા ઉતારુઓ માટે શરૂ કરવા પાછળનો આશય ગાંધીરોડ અને રિલીફરોડ જેવા વ્યસ્ત માર્ગ પરના ટ્રાફિકના દબાણને ઘટાડવાનો રહ્યો હતો, જો કે, ભદ્રકાળી મંદિર પરિસરમાં આ બસ સેવાની વિસ્તૃત માહિતી આપતું બસ સ્ટેન્ડ હજુ સુધી મુકાયું નથી. ફક્ત કાંરજ પોલીસ સ્ટેશન પાસે લાઇટના એક ઊંચા થાંભલા પર ઝાડની ડાળખીઓથી ઢંકાયેલા ભદ્રકાળી મંદિર (રૂટ નં.) ૩ એટલી નાની વિગત દર્શાવતું બોર્ડ લટકાવેલું છે. લાલ દરવાજા ટર્મિનસ જેવા ઉતારુઓથી ધમધમતા ટર્મિનસમાં પણ સત્તાવાળાઓએ પાસેના ભદ્રકાળી મંદિરથી ગાંધીરોડ અને રિલીફરોડને સાંકળી લેતી મફત બસ સેવા શરૂ કરાવી છે તેવી માહિતી આપવાની વ્યવસ્થા સુધ્ધાં ગોઠવી નથી. પરિણામેે અહીંના પાથરણા બજારમાં ખરીદી કરવા માટે આવતા નાગરિકો પણ આ મફત બસ સેવાથી વાકેફ નથી. તો, શહેરના મોટાભાગના નાગરિકો કે જેઓ શહેરમાં ખરીદી સહિતના કામો માટે કોટ વિસ્તાર અને શહેરના ગાંધીરોડ, રિલીફરોડ, કાલુપુર રૂટ પર આવતા હોય છે ત્યારે આ મફત બસ સેવાનો લાભ લેવાથી બેખબર રહે છે.

(8:20 pm IST)