Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદમાં ખાદ્ય પદાર્થનું ઉત્પાદન ગંદકીથી ખાબકતા વાતાવરણમાં થતા હેલ્થ અધિકારીના દરોડા

અમદાવાદ:માં બેકરીમાં વેચાતા બ્રેડ, બિસ્કીટ સહિતના ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અત્યંત ગંદકીથી ખદબદતા વાતાવરણમાં થતું હોવાનું હેલ્થ ખાતાના અધિકારીઓએ પકડયું છે. આ સંદર્ભમાં આજે ત્રણ બેકરીઓનું કામકાજ બંધ કરાવીને તેને સીલ મારી દેવામાં આવેલ છે. વર્ષોથી ચાલતી આ બેકરી પાસે હેલ્થ લાઇસન્સ પણ નહિ હોવાનું તપાસ દરમ્યાન જણાયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બેકરી સહિતના એકમોની ચકાસણી દરમ્યાન મોટા પ્રમાણમાં ગંદકી માલુમ પડતાં ૫૬ એકમોને નોટિસ ફટકારવામાં આવી છે તેમજ ૭૫૪૦૦નો દંડ વસુલાયો છે. ૭૦૦ કિલોગ્રામ બિન આરોગ્યપ્રદ બેકરી પ્રોડક્ટસનો નાશ કરાયો છે. આ બાબતે તપાસમાં ગયેલા અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યંત સાંકડી જગ્યા અને બિન આરોગ્યપ્રદ વાતાવરણમાં બિસ્કીટ બ્રેડ બનાવવામાં આવતા હતા મજુરો તેમણે બનાવેલા માલની બાજુમાં જ ઉંઘતા હતા. પાઉં ગંદા કોથળામાં ભરેલા હતા. બહારથી આવેલા કામદારો દ્વારા હાથ ધોયા વગર જ લોટ બાંધતા જણાયા હતા. મકાનોની સ્થિતિ અત્યંત બિસ્માર અને ગંદી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષ દરમ્યાન બેકરીની ચીજવસ્તુના ૨૦ નમૂના લેવાયા હતા. જેમાંથી ૫થી ૬ ભેળસેળવાળા જણાયા છે, જ્યારે ૧ નમૂનાનું પરીક્ષણ હજુ બાકી છે. ૨૦૧૮માં જુદા જુદા ખાદ્ય પદાર્થોના કુલ ૬૮૪ નમૂના લેવાયા હતા જે પૈકી ૬૩ નમૂના બિન આરોગ્યપ્રદ અને ભેળસેળવાળા જણાયા હતા જે અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં ખાદ્ય પદાર્થોમાં મોટા પાયે ભેળસેળ થાય છે પરંતુ તેના પ્રમાણમાં નમૂના અત્યંત ઓછા લેવાય છે.
 

(5:55 pm IST)