Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

અમદાવાદ: અજાણી મહિલાની કરપીણ હત્યા કરી લૂંટ ચલાવનાર આરોપી પોલીસના સકંજામાં

અમદાવાદ:ગ્રામ્યના કોઠ ગામની સીમમાંથી ૩૦ વર્ષની અજાણી મહિલાની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવવાના કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મહિલા પાસે અઘટિત માંગણી કરીને તેનો મોબાઈલ લૂંટી લીધા બાદ ગળુ દબાવીને હત્યા કરી નાંખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવની વિગત મુજબ ૧૭ મેના રોજ કોઠ ગામની સીમમાં નર્મદા માઈનોર કેનાલ નજીકના ખેતરમાંથી પોલીસને ૩૦ વર્ષની મહિલાની સડી ગયેલી લાશ મળી આવી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની ગળુ દબાવીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું ખુલ્યું હતું. આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરતા મહિલાના પર્સમાંથી મળી આવેલા મોબાઈલના સીમને આધારે તેની ઓળખ થઈ હતી. જેમાં તેનું નામ રંજનબહેન દિગુભા રાણા (૩૨) હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં તે આણંદ જીલ્લાના ઊમરેઠના ધોરા ગામના મહિડાની દિકરી હોવાનું તથા સુરેન્દ્રનગરમાં વેરાવદર ગામમાં રાણા પરિવારમાં તેના લગ્ન થયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે રંજનબહેન પતિથી અલગ સાણંદના સોયલા ગામે ભાડેથી રહેતા હતા. આ અંગે રંજનબહેનની બહેન પાયલબહેન શક્તિસિંહ ઝાલાએ કોઢ પોલીસ સ્ટેશનમાં લૂંટ અને હત્યાની ફરિયાદ નોંધાવી હતી. રંજનબહેન છેલ્લા દોઢ વર્ષથી પતિથી અલગ પોતાના બે પુત્ર પ્રતિપાલ અને યશપાલ સાથે સોયલા ગામમાં રહેતા હતા. ૧૨ મેના રોજ તે નડિયાદ જવા નીકળ્યા બાદ ગૂમ થઈ ગયા હતા. પોલીસે મૃતક સાથે સંબંધ ધરાવતા સગા અને મિત્રોની તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે માહિતીને આધારે બોપલ સોબો ચાર રસ્તા પાસેથી બગોદરાના રહેવાસી અરવિંદ ઊર્ફે અરકુન કનુભાઈ જખવાડીયા (૩૨) ની મોબાઈલ સાથે ધરપકડ કરી હતી.

 

(5:54 pm IST)